કાર્યવાહી:કેવડિયામાં નર્મદા નિગમે ફાળવેલા 200 પ્લોટોની વિગતો મેળવવાનું શરૂ
કેવડિયા કોલોનીના મુખ્યબજારમાંથી પસાર થતાં રસ્તાને ચાર માર્ગીય બનાવવામાં આવશે. રસ્તાની કામગીરી દરમિયાન નડતરરૂપ દબાણો દૂર કરવા તથા સરકારે ફાળવેલા પ્લોટની વિગતો મેળવવા સર્વે શરૂ કરાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. કેવડિયા કોલોનીમાં સ્થાનિકો ધંધો રોજગાર કરી શકે એ માટે અને સ્થાનિક કર્મચારીઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ કોલોનીમાંથી મળી રહે એ માટે વર્ષો પહેલા 20 x 40 ના પ્લોટ નિગમ તરફથી ફાળવવામાં આવ્યાં હતાં. આ પ્લોટમાં લોકોએ આગળના ભાગે દુકાનો બનાવી છે જયારે બાકીના ભાગનો રહેણાંક તરીકે ઉપયોગ કરી રહયાં છે. આખી કોલોનીમાં અંદાજિત 200થી વધુ પ્લોટો છે. જો કે ત્યાર પછી લોકોએ પોતાને મળેલા પ્લોટ પર મોટું બાંધકામ કર્યું છે. આગળ પાછળ 50 થી 100 ફૂટ સુધી દબાણો કરી દેવામાં આવ્યાં છે. કેટલાકે તો આ પ્લોટો મકાનો સહિત બીજાને વેચી દીધા છે અથવા તો ભાડે આપી દીધાં છે. આ સમગ્ર બાબત હાલ નર્મદા નિગમ ના ધ્યાને આવતા તાજેતરમાં નર્મદા નિગમ અને એસઓયુ સત્તા મંડળ તરફથી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિગમ તરફથી ફાળવવામાં આવેલાં પ્લોટની વર્તમાન સ્થિતિ જાણવામાં આવી રહી છે. સરકાર તરફથી ફાળવાયેલાં પ્લોટમાં કોણ રહે છે અને કોણ વેપાર કરે છે, આ પ્લોટ વેચી કે ભાડે તો નથી આપી દેવાયા સહિતની વિગતો મેળવવામાં આવતી હોવાથી વેપારીઓમાં દોડધામ મચી છે. કેટલા લોકો રહે છે તેઓ બીજું શું કરે છે. ક્યાંના વતની છે. આ સાથે તેમનું કેટલા સમય થી ભાડું બાકી છે. કોના નામે ફાળવ્યો છે. મૂળ ભાડુઆતે કેટલામાં ખરીધ્યો, અને કોની પરવાનગી થી આગળ પાછળ દબાણો કર્યા છે. સરકારી પ્લોટ કેમ વેચાણ કર્યો, શરત ભંગ કેમ કરી આ બધી બાબતો ને આધારે આ પ્લોટો પર દંડ વસુલવા અને ઊંચા ભાડા વસૂલવા અથવા પોતાના હસ્તક લઈ લેવામાં આવે વગેરે સર્વે કરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Read Original Article →