સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સાંસદ મનસુખ વસાવાનો ધડાકો:લોકસભા ચૂંટણી-2029 ન લડવાની કરી જાહેરાત, ટિકિટ વહેંચણી અંગે ભાજપના નિયમો પર ઉઠાવ્યાં હતા સવાલ
ભરૂચ-નર્મદાના લોકસભા સાંસદ તેમજ ભાજપના પીઢ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર મોટો ધડાકો કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ હવે આગમી લોકસભા ચૂંટણી-2029 નહીં લડે. તેમના આ નિર્ણયથી ભાજપમાં ભૂકંપ આવ્યા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા 8 એપ્રિલે એમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિયમો પર સવાલો ઉઠાવ્યાં હતા. પાર્ટીએ મને ઘણું આપ્યું, હવે કોઈ અન્યને ચાન્સ આપવો જોઈએ
ભરતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. 1995માં વિધાનસભા ચૂંટણીમાં રાજપીપળાનો ધારાસભ્ય બન્યો. પાર્ટીએ મને કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો. 1998થી ભારતીય જનતા પાર્ટીએ ઓપન સીટ હોવા છતાં મને લોકસભા ચૂંટણીમાં જીતાડ્યો છે. સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તાને આ ક્ષેત્રમાં આવવું હોય, તો એના માટે હું જાહેરમાં કહું છું કે બીજા કાર્યકર્તાને ચાન્સ આપવો જોઈએ. પાર્ટી એ દૃષ્ટિકોણથી વિચારે એટલે જ મેં અગાઉથી કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્ત બદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને ‘હું નહીં તું’ ભાવનાવાળી પાર્ટી છે. આને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટીએ મને ઘણું આપ્યું છે, હવે મારા પછી કોઈ બીજો ઉમેદવાર પાર્ટી નક્કી કરે. ચાર દિવસમાં મનસુખ વસાવાના સૂર બદલાયા
ચાર દિવસ પહેલા 8 એપ્રિલે મનસુખ વસાવાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના ટિકિટ વહેંચણીના નિયમો અંગે નારાજગી વ્યક્ત કરીને જાહેરમાં પાર્ટીના વિરોધમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુવાનોને તક આપવી જોઈએ તે આવકાર્ય છે, પરંતુ જીતી શકે તેવા મજબૂત અને અનુભવી નેતાઓને હોમવા તે પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. 60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરો, સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવતા કાર્યકરો તેમજ પરિવાર-સગા-સંબધીઓને ટિકિટ ન આપવી આ નિયમોને કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા જૂના જોગીઓ કપાઈ રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે જે નેતાઓ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેનો અર્થ એ છે કે જનતામાં તેમનો સ્વીકાર છે. આવા સક્ષમ ઉમેદવારોને પડતા મૂકવાથી પાયાના કાર્યકરોમાં નિરાશા ફેલાય છે. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવા કડક નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ? આમ ચાર દિવસમાં જ મનસુખ વસાવાએ સૂર બદલીને આજે નિવેદન આપ્યું છે કે પોતે લોકસભા ચૂંટણી-2029 નહીં લડે અને પાર્ટી કોઈ નવા કાર્યકરને તક આપે. મનસુખ વસાવાના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે અને ભરૂચ-નર્મદા લોકસભા બેઠક પર આગામી સમયમાં નવા નેતૃત્વ માટે માર્ગ ખુલતો જોવા મળી રહ્યો છે. મનસુખ વસાવાનું રાજકીય ભવિષ્ય શું?
મનસુખ વસાવા 1994થી 1996 દરમિયાન ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી હતા અને કેન્દ્રમાં અને નરેન્દ્ર મોદી સરકારની પ્રથમ ટર્મમાં 2014થી 2016 દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી રહી ચુક્યા છે. 1998થી અત્યાર સુધી તેઓ લોકસભાના સાંસદ છે અને લોકસભાની વિવિધ સમિતિઓમાં સભ્ય પણ રહી ચુક્યા છે. હવે જો તેઓ 2029ની ચૂંટણી નહીં લડે તો તેઓ સક્રિય રાજકારણમાંથી બહાર નીકળી જશે. જો કે તેમના રાજકીય કદને જોતા ભારતીય જનતા પાર્ટી તેમને કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવે તેવી સંભાવના નકારી શકાય નહીં.
Read Original Article →