ચૂંટણી પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું સ્ફોટક નિવેદન:ભાજપને કોંગ્રેસ કે AAP નહીં, પણ પોતાના જ કડક નિયમો હરાવશે, ટિકિટ વહેંચણીના નિયમો પાર્ટી માટે જ જોખમી

Gujarat4/8/2026, 12:47:11 PM
ચૂંટણી પહેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું સ્ફોટક નિવેદન:ભાજપને કોંગ્રેસ કે AAP નહીં, પણ પોતાના જ કડક નિયમો હરાવશે, ટિકિટ વહેંચણીના નિયમો પાર્ટી માટે જ જોખમી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીની રણનીતિ સામે સવાલો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ સ્થાપના દિવસે આપેલ નિવેદનમાં તેમણે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ખતરો નથી, પરંતુ પાર્ટીએ પોતે બનાવેલા કડક નિયમો જ તેને નુકસાન પહોંચાડી શકે છે. શું છે વિવાદનું મુખ્ય કારણ? ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા ટિકિટ વહેંચણી માટે કેટલાક ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેનો મનસુખ વસાવા વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના મુખ્ય ત્રણ નિયમો જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે: 1.60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ ન આપવી. 2.જેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે, તેમને ફરી તક ન આપવી. 3. નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટથી દૂર રાખવા. સિનિયર કાર્યકરોની ઉપેક્ષા સામે નારાજગી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે યુવાનોને તક આપવી જોઈએ તે આવકાર્ય છે, પરંતુ જીતી શકે તેવા મજબૂત અને અનુભવી નેતાઓને હોમવા તે પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ નિયમોને કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા જૂના જોગીઓ કપાઈ રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે જે નેતાઓ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેનો અર્થ એ છે કે જનતામાં તેમનો સ્વીકાર છે. આવા સક્ષમ ઉમેદવારોને પડતા મૂકવાથી પાયાના કાર્યકરોમાં નિરાશા ફેલાય છે. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવા કડક નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ? પક્ષના નેતૃત્વને પુનર્વિચારની અપીલ સાંસદ વસાવાએ પ્રદેશ નેતૃત્વને વિનંતી કરી છે કે આ નિયમો પર ફરીથી વિચાર કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે ગુજરાતભરમાંથી પાયાના કાર્યકરો તેમની પાસે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. જો જીતી શકે તેવા ઉમેદવારો નિષ્ક્રિય થઈ જશે, તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડશે. મનસુખ વસાવા જેવા સિનિયર નેતાનો આ સુર સૂચવે છે કે ભાજપમાં અંદરખાને 'નવા લોહી' અને 'અનુભવી નેતાઓ' વચ્ચે તાલમેલ બેસાડવો એક મોટો પડકાર બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ રજૂઆતને ધ્યાને લઈને નિયમોમાં કોઈ છૂટછાટ આપે છે કે પછી પોતાના શિસ્તબદ્ધ અભિગમ પર અડગ રહે છે.
Read Original Article →