યુવાનનીઅંગત અદાવતમાં માર મારી હત્યા કરી:વડોદરાથી ભૂંડ પકડવા માટે આવેલ યુવાનની અંગત અદાવતમાં માર મારીને હત્યા કરાઇ
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે ભૂંડ પકડવા આવેલા યુવાનની અંગત અદાવતમાં માર મારી હત્યા કરી નાખવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી ગરૂડેશ્વરમાં ભુંડ પકડવાના મામલે શીખ સમુદાયમાં અંદરોઅંદર ઝઘડો થયો હતો જેમાં આ બનાવ બન્યો હતો. વડોદરાના કુંભારવાડા વિસ્તારની વારસીયા ખાડીમાં રહેતાં સચિત સીકલીગરે નોંધાવેલી ફરિયાદ મુજબ 2 તારીખના રોજ તેના નાના ભાઇ અર્જુન સીકલીગર અને તેના પિતરાઇ ભાઇ કાર લઇને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિસ્તારમાં ભુંડ પકડવા માટે ગયાં હતાં. તેઓ ગરૂડેશ્વર વિસ્તારમાં ગયાં હતાં તે સમયે રાત્રિના સાડા અગિયારથી બાર વાગ્યાના અરસામાં હરવિંદર ઉર્ફે હરબુ સીકલીગર તથા તેની સાથે બે અજાણ્યા ઈસમોએ ભુંડ પકડવાના મામલે તેમની સાથે ઝઘડો કર્યો હતો. હરવિંદરે તેના હાથમાં રહેલી લોખંડની પાઇપ કારની અંદર બેઠેલા અર્જુન સીકલીગરને માથાના ભાગે મારી દીધી હતી. હરવિંદર સાથે આવેલાં બે ઇસમોએ તેના માથામાં પથ્થરો માર્યા હતાં. ગંભીર ઇજાના પગલે અર્જુનને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો પણ તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ સંદર્ભમાં પોલીસે હરવિંદર સહિત 3 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તબકકે મૃતક અને તેનો ભાઇ વડોદરાથી ગરૂડેશ્વર ભુંડ પકડવા માટે આવ્યાં હતાં. સ્થાનિક સીકલીગર યુવાનોએ હુમલો કરી હત્યા કરી નાખી હોય તેમ લાગી રહયું છે.
Read Original Article →