નર્મદામાં આયુષ્યમાન યોજના હેઠળ 92 ટકા કામ પૂર્ણ:રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સદસ્ય તરફથી યોજનાકીય સમીક્ષા કરવામાં આવી
રાજપીપળા નર્મદા જિલ્લામાં ચાલી રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયંક કાનુનગોએ સમીક્ષા કરી હતી. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને પીએમ આયુષ્યમાન યોજનામાં 92 ટકા સિદ્ધિ મેળવવા બદલ વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયંક કાનુનગોના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને માનવ અધિકારોની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ, એસપી વિશાખા ડબરાલ અને ડીડીઓ આર.વી. વાળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ચાલતી વિવિધ સેવાઓ જેવી કે આંગણવાડી સેવાઓ, બાળ સુરક્ષા, શિક્ષણ, પોષણ સંગમ, પૂર્ણા શક્તિ યોજના, પી.એમ. પોષણ યોજના અને ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોગ્યલક્ષી યોજનાઓ, વરિષ્ઠ નાગરિક અધિકારો, આયુષ્માન ભારત-PMJAY, કિસાન ક્રેડિટ કાર્ડ અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વના વિષયો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સભ્યએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં માનવ અધિકાર સંબંધિત કામગીરી સંતોષકારક છે. ખાસ કરીને પ્રધાનમંત્રી આયુષ્માન યોજના અંતર્ગત જિલ્લાએ 92 ટકા સિદ્ધિ હાંસલ કરી છે. આ ખરેખર પ્રશંસનીય છે. અન્ય કલ્યાણકારી યોજનાઓમાં પણ જિલ્લાનો પ્રગતિદર સારો રહ્યો છે. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને યોજનાઓના અમલીકરણમાં આવતા અવરોધો દૂર કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના સભ્ય પ્રિયંક કાનુનગોના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Read Original Article →