સઘન તપાસ:ભરૂચ અને નર્મદામાં 12 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરાઇ

Gujarat6/4/2026, 12:15:13 AM
ભરૂચ અને નર્મદા જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિકોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. નર્મદા જિલ્લામાંથી 8 અને ભરૂચમાંથી 4 જેટલા બાંગ્લાદેશી નાગરિકોને શોધીને હાલમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હાલના તબકકે વધુ વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે 28મી મેના રોજ ગુજરાતમાં એક જાહેરસભામાં દેશભરમાંથી એક એક ઘુસણખોરોને વીણી વીણીને બહાર કાઢવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો. ગૃહમંત્રીના હુંકાર બાદ 5મા દિવસથી જ ગુજરાતભરમાં બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે રાજયભરની પોલીસ કામે લાગી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી હાલના તબકકે 12 જેટલા શંકાસ્પદોને પૂછપરછ માટે લાવવામાં આવ્યાં છે. નર્મદા જિલ્લામાંથી 8 લોકોને પૂછપરછ માટે લવાયાં છે જેમાંથી બે પશ્ચિમ બંગાળ તરફના હોવાની વિગતો સામે આવી છે. ભરૂચમાં ચાર શકમંદોમાં મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે સ્ટચ્યુ ઓફ યુનિટી અને આસપાસ ચાલી રહેલાં પ્રોજેકટમાં કામ કરતાં શ્રમિકોની સઘન તપાસ આદરી છે. ભરૂચ જિલ્લામાં પણ પોલીસે આખી રાત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ જણાતા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરી તેમના ઓળખપત્રો અને રહેઠાણના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ ટીમોએ ખાસ કરીને શંકાસ્પદ ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, બાંધકામ સાઇટ પર રહેતા પરપ્રાંતીય મજૂરોના વસવાટ વિસ્તારો તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોએ વહેલી સવાર સુધી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. વિદેશી નાગરિકોને જિલ્લાના પોલીસ‎ હેડકવાર્ટર્સ ખાતે રાખવામાં આવે છે‎ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા અને તેમને પાછા મોકલવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કડક માર્ગદર્શિકા અને ફોરેનર્સ એક્ટ, 1946 હેઠળ ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. શંકાસ્પદ વ્યક્તિઓના આધાર કાર્ડ, વોટર આઈડી કે અન્ય ભારતીય દસ્તાવેજો નકલી છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ થાય છે.ઝડપાયેલા શંકાસ્પદ નાગરિકોના ફિંગરપ્રિન્ટ્સ અને ફેસિયલ ફોટોગ્રાફ્સ (ચહેરાના ફોટા) લઈને તેને કેન્દ્રીય ફોરેનર્સ આઈડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.જો પકડાયેલી વ્યક્તિ એવો દાવો કરે કે તે ભારતના અન્ય કોઈ રાજ્ય નો નાગરિક છે તો તે રાજ્યની સરકારને 30 દિવસની અંદર તેના દસ્તાવેજોની ચકાસણી કરવાનો આદેશ અપાય છે. આ તમામ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામને પોલીસ હેડકવાટર્સ ખાતે રાખવામાં આવે છે અને તેમને ભોજન સહિતની મુળભુત સુવિધાઓ પોલીસ વિભાગ તરફથી પુરી પાડવામાં આવે છે.
Read Original Article →