મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસનું યલો અલર્ટ:કોંકણથી વિદર્ભ સુધી મહારાષ્ટ્રમાં મોન્સૂનનું ધમાકેદાર આગમન થયું
તપતા ઉનાળાની તીવ્ર ગરમી બાદ આખરે મહારાષ્ટ્રમાં મોન્સૂને એન્ટ્રી કરી દીધી છે. આકાશમાં ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો, ધરતી પર વરસતી વરસાદની પ્રથમ છાંટ અને માટીની ભીની સુગંધે સમગ્ર વાતાવરણને ખુશનુમા બનાવી દીધું છે. લાંબી રાહ હવે પૂર્ણ થઈ હોય તેમ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. મોન્સૂનના આગમન સાથે ખેડૂતોમાં નવી આશા જાગી છે તો શહેરોમાં ગરમીથી રાહતનો અહેસાસ થયો છે, હવામાન વિભાગના અનુમાન મુજબ ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારે વરસાદ, ગાજવીજ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર કોંકણના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન યથાવત રહી શકે છે. 6 જૂન માટે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, નાશિક, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર સહિત અનેક જિલ્લાઓમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.7 જૂને રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, નાસિક, પુણે, લાતુર, નાગપુર, યવતમાળ સહિતના જિલ્લાઓમાં યલો અલર્ટ રહેશે. 8 જૂને ગઢચિરોલી, ગોંદિયા, નાગપુર, વર્ધા અને યવતમાળ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અનેક જિલ્લાઓમાં યલો અલર્ટ યથાવત રહેશે. 9 અને 10 જૂન દરમિયાન પણ કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા, વીજળીના કડાકા દરમિયાન ખુલ્લી જગ્યાઓ ટાળવા અને દરિયા કિનારે અનાવશ્યક ભીડ ન કરવા અપીલ કરી છે. મોન્સૂનના આ મનમોહક આગમન સાથે હવે સમગ્ર મહારાષ્ટ્ર વરસાદી ઋતુના રંગમાં રંગાઈ રહ્યું છે.
Read Original Article →