પાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે વધારાના પાણી પુરવઠાની માગણી:મુંબઈમાં પાણી સંકટ વધુ વિકટઃ પાણીકાપ છતાં જળાશયોમાં ફક્ત 19.22 ટકા જ પાણી
મુંબઈ શહેરમાં 15 મેથી 10 ટકા પાણીકાપ લાદવામા આવ્યો છે. આ કપાત લાદવા છતાં મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત જળાશયોની સપાટી સતત ઓછી થઈ રહી છે. આ જળાશયોમાં 28 ટકા પાણીનો જથ્થો હતો ત્યારે મહાપાલિકાએ 10 ટકા પાણીકાપ લાદ્યો હતો. આમ છતાં પાણીનો જથ્થો સતત ઓછો થઈને હવે ફક્ત 19.22 ટકા પાણી રહ્યું છે. આ જથ્થો ઓગસ્ટ મહિના સુધી ચાલે તેવું નિયોજન મહાપાલિકાના પાણી પુરવઠા વિભાગને કરવું છે. આથી હવે મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી વધારાના પાણી પુરવઠાની માગણી કરવાં આવી છે, જે થકી મુંબઈગરાને પાણી પુરવઠો કરાશે. મુંબઈ અને ઉપનગરોને પાણી પુરવઠો કરતાં સાતેય જળાશયોમાં હાલમાં ફક્ત 19.22 ટકા પાણીનો જથ્થો છે. આ જળાશયોની પાણી સંગ્રહ ક્ષત્રતા 14,47,363 મિલિયન લિટર છે. તેની તુલનામાં હાલમાં જળાશયોમાં ફક્ત 2,78,199 મિલિયન લિટર પાણી છે. મુંબઈમાં હાલમાં રોજ 3950-4100 મિલિયન લિટર પાણી પુરવઠો કરાય છે. પાણીકાપ પછી રોજ 3600- 3750 મિલિયન લિટર સુધી ઓછો થયો છે. આ કપાત મહાપાલિકા દ્વારા નહીં કરાઈ હોત તો જુલાઈની પ્રથમ અઠવાડિયા સુધી જ પાણી ચાલ્યું હોત. મહાપાલિકા આ રીતે નિયોજન કરશે ભારતીય હવામાન વિભાગે આ વર્ષે અલ નિનોના પ્રભાવને લીધે વરસાદનો પ્રભાવ ઓછો હશે એવો અંદાજ વર્તાવ્યો છે. વરસાદ ઓછો પડવાથી આ વર્ષે મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં કપાત લાગુ કરવામાં આવી છે. ઉપલબ્ધ પાણીનો જથ્થો 17 ઓગસ્ટ સુધી ચાલુ તેવું નિયોજન મહાપાલિકા કરવા માગે છે. આ માટે નગર વિકાસ વિભાગ મારફત વૈતરણા અને ભાતસા નદીઓમાંથી 237 મિલિયન ઘનમીટર પાણીની માગણી કરવામાં આવી છે. છેલ્લાં બે વર્ષના પાણીના સ્તરને ધ્યાનમાં લેતાં તુલનામાં આ વખતે પાણીનો સ્તર વધુ છે. 22 મે, 2025ના પાણીનો જથ્થો 16.88 ટકા હતો, જ્યારે 2024માં મે મહિનામાં અંતિમ તબક્કામાં 10.67 ટકા જ પાણી હતું. પાણી ડબ્લ્યુએચઓ પ્રમાણિત યોગ્ય શુદ્ધિકરણ સુવિધાને લીધે ડબ્લ્યુએચઓ અને આઈએસ- 10500એ પ્રમાણિત કરેલા માપદંડ અનુસાર જળશુદ્ધિકરણ કરવાનું સાધ્ય થયું છે. પાણી જળશુદ્ધિકરણ કેન્દ્ર નજીક મહાસંતુલન જળાશયમાં જમા કરી આગળ વિતરણ માટે શહેરમાં ઠેકઠેકાણે 27 સેવા જળાશય સુધી વહેંચવામાં આવે છે. આ માટે 1200 મીમી અને 2400 મીમી પોલાદી જળવાહિનીઓ અને 2200 મીમીથી 3500 મીમી વ્યાસનાં ભૂમિગત જળબોગદાં વાપરવામાં આવે છે. આ જળવાહિનીઓની લંબાઈ આશરે 450 મીમી હોઈ આશરે 27 કિમી લાંબા જળબોગદાનો સમાવેશ થાય છે. રોજ 385.0 કરોડ લિટર પુરવઠો પૂરો પડાય છે મુંબઈને તાનસામાંથી રોજ 45.5 કરોડ લિટર, મોડકસાગર (વૈતરણા)માંથી 45.5 કરોડ લિટર, મધ્ય વૈતરણામાંથી 45.5 કરોડ લિટર, ઉર્ધ્વ વૈતરણામાંથી 64.0 કરોડ લિટર, ભાતસામાંથી 202.0 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. આ જળસ્રોતો મુંબઈ શહેરથી આશરે 120 કિમી અને તેથી વધુ દૂર અંતરે છે. મુંબઈ શહેરની હદમાં ફક્ત બે નાનાં જળાશય વિહારમાંથી રોજ 9.0 કરોડ લિટર અને તુલસીમાંથી 1.8 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈને રોજ 385.0 કરોડ લિટર પાણી પુરવઠો આ સર્વ જળાશયોમાંથી કરવામાં આવે છે.
Read Original Article →