સિટી એન્કર:વર્સોવા-ઘાટકોપર મેટ્રો લાઇન-1એ 125 કરોડ મુસાફરોનો વિશ્વાસ જીત્યો
મુંબઈની પહેલી બ્લુ લાઈન મેટ્રો સેવા તરીકે ઓળખાતી મુંબઈ મેટ્રો લાઇન-1 એ પોતાની સફળ કામગીરીના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. વર્સોવાથી ઘાટકોપર સુધીના 11.64 કિલોમીટર લાંબા રૂટ પર કુલ 12 સ્ટેશનો ધરાવતી આ મેટ્રો સેવા 8 જૂન 2014ના મુસાફરો માટે શરૂ કરવામાં આવી હતી. મુંબઈ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડ (એમએમઓપીએલ) દ્વારા આ અવસરે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મેટ્રો સેવા મુંબઈના જાહેર પરિવહનની સૌથી વિશ્વસનીય અને લોકપ્રિય જીવનરેખા બની ગઈ છે. છેલ્લા 12 વર્ષોમાં મુંબઈ મેટ્રોએ શહેરના કરોડો મુસાફરોની મુસાફરીને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર બનાવી છે. મુંબઈ મેટ્રો વને આ સફરમાં અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્યાર સુધીમાં 125 કરોડથી વધુ મુસાફરોને સેવા આપવામાં આવી છે, જ્યારે એક જ દિવસે સૌથી વધુ 5.79 લાખ મુસાફરોએ મુસાફરી કરવાનો રેકર્ડ ર્ક્યાં હતો. 15 લાખથી વધુ ટ્રિપ્સ સાથે મેટ્રોએ 99.99 ટકા સમયપાલનનો અસાધારણ રેકોર્ડ જાળવી રાખ્યો છે. ખાસ વાત એ છે કે, સમગ્ર કામગીરી દરમિયાન શૂન્ય જાનહાનિનો સલામતી રેકોર્ડ પણ જાળવવામાં આવ્યો છે. મેટ્રો સ્ટેશનોને આધુનિક રિટેલ અને કોમ્યુટર અનુભવ કેન્દ્રોમાં વિકસાવવામાં આવ્યા છે. મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. મુંબઈ મેટ્રો વનને ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય તરફથી શ્રેષ્ઠ મુસાફર સેવા અને સંતોષ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ અવસરે એમએમઓપીએલએ એરટેલ પેમેન્ટ્સ બેંક સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ રૂપી-પે ઓન-ધ-ગો એનસીએમસી કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ દ્વારા મુસાફરો એક જ કાર્ડથી વિવિધ જાહેર પરિવહન સેવાઓમાં ડિજિટલ ચુકવણી કરી શકશે. શરૂઆતમાં આ કાર્ડ મુંબઈ મેટ્રો લાઇન-1, મેટ્રો 2એ, 7, મેટ્રો ૩, બેસ્ટ બસો અને આગામી મોનોરેલ નેટવર્કમાં ઉપયોગી બનશે. એક રાષ્ટ્ર, એક કાર્ડ પહેલ
મુંબઈ મેટ્રો વનના સીઈઓ શ્યામંતક ચૌધરીએ જણાવ્યું હતું કે, 125 કરોડથી વધુ મુસાફરો દ્વારા મળેલો વિશ્વાસ અમને સતત નવીનતા અને શ્રેષ્ઠ સેવા આપવા પ્રેરણા આપે છે. જ્યારે એરટેલ પેમેન્ટ્સ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણેશ અનંતનારાયણે કહ્યું કે, આ પહેલ એક રાષ્ટ્ર, એક કાર્ડના વિઝનને મજબૂત બનાવશે. મુંબઈ મેટ્રો વન આગામી સમયમાં પણ મુસાફરોને વધુ સીમલેસ, સુરક્ષિત અને આધુનિક મુસાફરીનો અનુભવ આપવાની દિશામાં આગળ વધતી રહેશે.
Read Original Article →