APMCમાં ગેરરીતિના આક્ષેપો બાદ સરકાર સક્રિય:વાશી એપીએમસીનાં 5 વર્ષના હિસાબની થશે તપાસઃ ચાર સભ્યની સમિતિની રચના કરાઈ

Gujarat6/5/2026, 1:12:39 AM
APMCમાં ગેરરીતિના આક્ષેપો બાદ સરકાર સક્રિય:વાશી એપીએમસીનાં 5 વર્ષના હિસાબની થશે તપાસઃ ચાર સભ્યની સમિતિની રચના કરાઈ
એશિયાની સૌથી મોટી કૃષિ ઉપજ બજાર સમિતિ ગણાતી મુંબઈ એપીએમસી ફરી એક વાર ચર્ચામાં આવી છે. રાજ્ય સરકારે એપીએમસીના છેલ્લાં પાંચ વર્ષના નાણાકીય વ્યવહારો, વહીવટ અને વિકાસ કાર્યોની વિશેષ ઓડિટ તપાસ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ચાર સભ્યોની વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિને બે મહિનાની અંદર સંપૂર્ણ અહેવાલ સરકારને સોંપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એપીએમસીના વેપારીઓની સમસ્યા અને મહાભ્રષ્ટાચાર મામલે સતત અહેવાલો પ્રસિદ્ધ થતાં સરકારે આ મામલે બજાર સમિતિના 25 સભ્યની કમિટી બરખાસ્ત કરી હતી અને રાજ્યના માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવળની નિમણૂક કરી હતી. નવી મુંબઈ એપીએમસી દેશની સૌથી મોટા કૃષિ બજારોમાંનું એક છે, જ્યાં દરરોજ કરોડો રૂપિયાની શાકભાજી, ફળ, અનાજ અને અન્ય કૃષિ માલનો વેપાર થાય છે. તેથી અહીંની નાણાકીય પારદર્શિતા અને સુવ્યવસ્થિત વહીવટ ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, એથી સરકારની તપાસની આ પહેલને અમે આવકારીએ છીએ, એમ કેઈટના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ કીર્તિ રાણાએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી એપીએમસીમાં ટેક્સ વસૂલાત, ટેન્ડર પ્રક્રિયા, બજાર વિકાસકામો, આવક-જાવકના હિસાબ અને વિવિધ નાણાકીય વ્યવહારોમાં અનિયમિતતા અંગે વેપારીઓ અને વિવિધ સંગઠનો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હતી. વેપારીઓ સતત નિષ્પક્ષ તપાસની માગણી કરી રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં રાજ્ય સરકારે હવે સત્તાવાર તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવળે એપીએમસીના પ્રશાસકીય બોર્ડનો કાર્યભાર સંભાળ્યા બાદ પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. તેમના નિવેદન બાદ હવે ઓડિટ તપાસને મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે. મુંબઈ કૃષિ ઉત્પાદન બજાર સમિતિના સંચાલન અંગે મળેલી ફરિયાદના આધારે, માર્કેટિંગ ડિરેક્ટર શરદ જારેએ 2021થી 2026 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે કર્મચારીઓના હિસાબોના ઓડિટ સહિત વિવિધ 20 મુદ્દાઓ પર ચાર સભ્યોની ટીમ જાહેર કરી તપાસના આદેશો જારી કર્યા છે. પાટીલ ઉપરાંત તપાસ સમિતિમાં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી માર્કેટિંગ ફેડરેશન, મુંબઈના સંયુક્ત સચિવ (ઓડિટ) નંદકુમાર આર. દાનેજ, થાણેના ઉપ જિલ્લા સચિવ કિશોર માંડે અને કર્જતના સહાયક રજિસ્ટ્રાર શિવાજી ઘુલેનો સભ્ય સચિવ તરીકે સમાવેશ થાય છે. જારેએ તેમને બે મહિનાની અંદર સ્વ-સ્પષ્ટીકરણાત્મક તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. વિવિધ ગેરવહીવટની તપાસ કરાશે સમિતિમાં સહકારી અને માર્કેટિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલા તમામ નાણાકીય વ્યવહારો, વિકાસ પ્રોજેક્ટ, લાયસન્સ ફી, સેસ વસૂલાત, બજાર સમિતિની મિલ્કતોના ઉપયોગ અને વિવિધ કરારોની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો, ખાતાવહી અને ચુકવણી સંબંધિત વિગતો પણ ચકાસવામાં આવશે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સમિતિએ બે મહિનાની અંદર સંપૂર્ણ તપાસ પૂર્ણ કરીને વિગતવાર અહેવાલ રજૂ કરવો પડશે. જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ, નાણાકીય ગોટાળો અથવા નિયમભંગ સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →