પુણેમાં લિંગ પરીક્ષણ કૌભાંડનો પર્દાફાશ:મુખ્ય આરોપી ફક્ત 12મું ધોરણ પાસ છે!
પુણે જિલ્લામાં પોલીસે આયુર્વેદિક ડોક્ટર સહિત બે જણની ધરપકડ કરીને અનધિકૃત લિંગ પરીક્ષણ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસ હવે કેટલા સ્ત્રી ભ્રૂણનો ગર્ભપાત કર્યો અને આ કૌભાંડમાં હજુ કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે. મુખ્ય આરોપી બારમું ધોરણ સુધી જ ભણેલો છે. તે ભ્રૂણનું લિંગ નક્કી કરવા માટે મોબાઈલ એપ્લિકેશન સાથે લિંક્ડ પોર્ટેબલ, ચીની બનાવટનું અલ્ટ્રાસાઉન્ડ ડિવાઈસ ઉપયોગ કરતો હતો. પુણેના દૌંડ તાલુકામાંથી એક વિડિયો ક્લિપ બહાર આવી હતી. સોશિયલ મિડિયા પર વાઈરલ થયેલી આ ક્લિપમાં અનધિકૃત રીતે લિંગ પરીક્ષણ પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવી હતી. આરોગ્ય પ્રશાસન દ્વારા ફરિયાદ નોંધાવાતાં જ તપાસ શરૂ કરવામાં આવી હતી. મુખ્ય આરોપી અણ્ણાસાહેબ ગિરિ (42) છે, જે તબીબી પાત્રતા નહીં હોવા છતાં પ્રસૂતિ- પૂર્વ લિંગ પરીક્ષણ કરતો હતો. ગિરિની ઊલટતપાસ કરાતાં તેણે કબૂલ કર્યું કે 2024થી આ અનધિકૃત પ્રવૃત્તિઓ કરતો હતો. તે બારમું ધોરણ પાસ છે અને ડોક્ટર નથી. તેણે બી ફાર્મસી કોર્સમાં પ્રવેશ લીધો હતો, પરંતુ પ્રથમ વર્ષમાં નિષ્ફળ ગયા પછી તેને પડતો મુકાયો હતો, એમ યવત પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ નારાયણ દેશમુખે જણાવ્યું હતું. સંદર્ભ આધારિત પ્રણાલી થકી કૌભાંડ: આ કેસમાં બેચલર ઓફ આયુર્વેદિક મેડિસીન એન્ડ સર્જરી- પાત્ર ડોક્ટર અતુલ જાધવ (વાઘોલી)ની ધરપકડ કરાઈ છે, જ્યારે બે ડોક્ટર ફરાર છે. અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ સંદર્ભ આધારિત પ્રણાલી થકી કામ કરતા હતો. એટલે કે, દર્દીને લિંગ પરીક્ષણ માટે ગિરિ પાસે મોકલવામાં આવતી હતી અને ગર્ભપાત માટે પછી નેટવર્કના ડોક્ટરો પાસે મોકલવામાં આવતી હતી. એક મહિનામાં 15થી 20 મહિલાનું પરીક્ષણ: આરોપીઓ આ વાત અત્યંત ગોપનીય રાખતા હતા. ગિરિએ કબૂલ કર્યું છે કે મહિને કમસેકમ 15થી 20 મહિલાઓને પરીક્ષણ કરી આપતો હતો. ગિરિને નરેંદ્ર ઠાકરેએ અલ્ટ્રાસાઉન્ડ મશીન આપ્યું હતું, જેની અન્ય કેસમાં અન્યત્ર ધરપકડ કરાઈ છે. તેનો પણ અમે કબજો લઈશું. ત્રણ વર્ષથી આ ગોરખધંધો ચાલતો હતો
ગિરિ છેલ્લાં બેથી ત્રણ વર્ષથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. જોકે તેણે કેટલા ગર્ભપાત કર્યા તેનો અચૂક આંકડો હજુ મળ્યો નથી. અમને દસ્તાવેજી પુરાવા મળતાં જ આ આંકડો જાણી શકાશે, એમ ગિલે જણાવ્યું હતું. આરોપીઓ વિરુદ્ધ પૂર્વ- ગર્ભધારણા અને પૂર્વ- પ્રસૂતિ નિદાન તરકીબો ધારા તેમ જ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 5000થી 15 હજાર વસૂલ કરતો
ગિરિ લિંગ પરીક્ષણ કરવા માટે બ્લુટૂથ થકી મોબાઈલ એપ્લિકેશનને લિંક્ડ પોર્ટેબલ, ચીની બનાવનું અલ્ટ્રાસાઉન્ડ ડિવાઈસ ઉપયોગ કરતો હતો. પોલીસે ઓપરેશનમાં ઉપયોગ કરાતું આ મશીન જપ્ત કર્યું છે. ગિરિ પરીક્ષણ માટે રૂ. 5000થી રૂ. 15,000 વસૂલ કરતો હતો અને સ્ત્રી ભ્રૂણ હોય તો ગર્ભપાત નેટવર્ક સાથે જોડાયેલા ડોક્ટરો પાસે મોકલી દેતો હતો.
Read Original Article →