સમિતિમાં મુંબઈ અને ઉપનગરના કલેક્ટર સહિત બે બિન-સત્તાવાર સભ્ય:મુંબઈમાં નશીલા પદાર્થ સામે કડક કાર્યવાહી: લોઢાના નેતૃત્વમાં સમિતિ
મુંબઈ પ્રદેશમાં વધતા ડ્રગ્સના ખતરા સામે હવે રાજ્ય સરકાર વધુ કડક પગલાં લેવા જઈ રહી છે. કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ ડ્રગ્સ વિરોધી જાગૃતિ અને નિયંત્રણ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. છ સભ્યોની આ સમિતિમાં મુંબઈ પોલીસ કમિશનર, મુંબઈ શહેર અને ઉપનગરના કલેક્ટર સહિત બે બિન-સત્તાવાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રગ્સ વિરોધી કડક અભિયાનને ધ્યાનમાં રાખીને આ સમિતિ બનાવવામાં આવી છે. સમિતિ વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન કરીને ડ્રગ્સના છોડની ખેતી, ઉત્પાદન, પરિવહન, વેચાણ અને વપરાશ પર નિયંત્રણ લાવશે. સાથે જ યુવાઓમાં જાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન પણ હાથ ધરાશે. આ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ એક મોટી આંતરરાજ્ય ડ્રગ્સ દાણચોરીની કોશિશ નિષ્ફળ બનાવી છે. એનસીબીએ ગોંદિયામાં કાર્યવાહી કરીને રૂ.3 કરોડ કિંમતનો 702 કિલો ગાંજો ભરેલો ટ્રક જપ્ત કર્યો હતો અને પ્રકાશ એમડી તથા પદમલાલ એનએમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ ગાંજો ઓડિશાથી લાવવામાં આવ્યો હતો અને તેનો જથ્થો નાગપુર, ગોંદિયા, પુણે અને મુંબઈના ડ્રગ્સ સિન્ડિકેટ સુધી પહોંચાડવાનો હતો. એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે આ સિન્ડિકેટ અલગ અલગ નાના જથ્થા બદલે એક જ મોટા કન્સાઇનમેન્ટ મારફતે ડ્રગ્સની હેરફેર કરતા હતા. બીજી તરફ, કલ્યાણ પોલીસ દ્વારા તપાસ હેઠળના એક અલગ કેસમાં રૂ.34.18 કરોડની કિંમતના 9.7 કિલો હેરોઇન જપ્ત કરવાના મામલે કુખ્યાત ગુનેગાર અમજદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ અને થાણેથી દેશનિકાલ કરાયેલા 47 વર્ષીય પઠાણ સામે હત્યા સહિત 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે પોતાનું ડ્રગ્સ નેટવર્ક હવે નાસિકમાં ખસેડ્યું હતું અને તે આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે.
Read Original Article →