કાર્યવાહી:મુંબઈના 835 જેટલા બાંધકામોને પાલિકા તરફથી સ્ટોપ વર્ક નોટિસ
શહેરીકરણ અને વિકાસકામોના લીધે મુંબઈ સહિત ઉપનગરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. આ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા મહાપાલિકા એક્શન મોડ પર આવી છે. પ્રશાસને હવાની ગુણવત્તા કથળે અને પ્રદૂષણ વધવા કારણભૂત બનેલા 835 બાંધકામોને સ્ટોપ વર્ક એટલે કે કામ રોકવાની નોટિસ બજાવીને આંચકો આપ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ હજારથી વધારે ઠેકાણે તપાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કરનાર 977 સાઈટ્સને કારણ દર્શાવો નોટિસ જારી કરી છે. મુંબઈમાં વધતા પ્રદૂષણના કારણે નાગરિકોના આરોગ્યને મોટું જોખમ નિર્માણ થયું છે. આ પ્રદૂષણ રોકવા મહાપાલિકા પ્રશાશને બાંધકામ ક્ષેત્ર માટે 28 નિયમોની કઠોર નિયમાવલી તૈયાર કરી છે. એમાં બાંધકામ ઠેકાણે સ્પ્રિન્કલર લગાડવું, 35 ફૂટ ઉંચા પડદા લગાડવા અને હવાની ગુણવત્તા તપાસવા સેન્સર્સ લગાડવા જેવી ઉપાયયોજના ફરજિયાત કરવામાં આવી છે. જો કે અનેક ઠેકાણે આ નિયમોનું પાલન થતું ન હોવાનું તપાસમાં જણાયું છે. નિયમ ન પાળનારાઓને પહેલાં કારણ દેખાડો નોટિસ આપવામાં આવે છે અને એ પછી પણ સુધારો ન થાય તો સીધા સ્ટોપ વર્ક નોટિસ બજાવવામાં આવતી હોવાની માહિતી મહાપાલિકાના પર્યાવરણ અને વાતાવરણ ફેરફાર વિભાગ તરફથી આપવામાં આવી હતી. પર્યાવરણ સંવર્ધન માટે મહાપાલિકાએ ફક્ત દંડાત્મક કાર્યવાહી ન કરતા પ્રતિબંધાત્મક અને સુધારાત્મક ઉપાયયોજના પર ભાર મૂક્યો છે. મુંબઈગરાને આરોગ્યદાયી હવા મળે અને પર્યાવરણનું સંતુલન જળવાય એ જ આ ઝુંબેશનો ઉદ્દેશ હોવાનું પર્યાવરણ વિભાગે સ્પષ્ટ કર્યું છે.
Read Original Article →