રાજ્યવ્યાપી દરોડા, કરોડોનો માલ જપ્ત:મહારાષ્ટ્રમાં અન્ન-ઔષધ વિભાગની મોટી કાર્યવાહીઃ 102 લોકો ઝડપાયા
મહારાષ્ટ્ર રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસને(એફડીએ) સેફ ફૂડ, સેફ ડ્રગ, સેફ મહારાષ્ટ્ર અભિયાન હેઠળ આરોગ્યને હાનિકારક અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો સામે રાજ્યવ્યાપી ધડાકેબાજ કાર્યવાહી હાથ ધરી છે. 25 મેથી 31 મે 2026 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કુલ 102 લોકોની અટક કરવામાં આવી હતી અને 68 આસ્થાપનાઓ સીલ કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રતિબંધિત ગુટખા, પાન મસાલા, દુષિત દૂધ, આઈસ્ક્રીમ અને અન્ય ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અન્ન અને ઔષધ પ્રશાસન દ્વારા મુંબઈ, નવી મુંબઈ, પુણે, નાશિક, છત્રપતિ સંભાજીનગર, અમરાવતી અને નાગપુર સહિતના વિસ્તારોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન વિવિધ દુકાનો, ગોડાઉન અને ઉત્પાદન એકમોની તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા માલસામાનમાં ગુટખા, પાન મસાલા, દુષિત દૂધજન્ય પદાર્થો, મસાલા, ફ્રોઝન ફૂડ અને અન્ય અખાદ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 15.48 લાખથી વધુ કિંમતનો પ્રતિબંધિત ગુટખા અને પાન મસાલાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1.24 કરોડથી વધુ કિંમતનો માલસામાન કબજે કરવામાં આવ્યો હતો. રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસનના કમિશનર તુકારામ મુઢેએ જણાવ્યું હતું કે, નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →