મુંબઈમાં રસ્તાના કોન્ક્રીટીકરણની આડઅસર શરૂ:મુંબઈમાં જમીનની પાણી પચાવવાની ક્ષમતામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, ભવિષ્ય માટે ચિંતા

Gujarat6/4/2026, 12:19:39 AM
મુંબઈમાં રસ્તાના કોન્ક્રીટીકરણની આડઅસર શરૂ:મુંબઈમાં જમીનની પાણી પચાવવાની ક્ષમતામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે, ભવિષ્ય માટે ચિંતા
મુંબઈમાં કોંક્રીટીકરણ વધવાને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેને લીધે જમીનની પાણી પચાવવાની ક્ષમતા ચિંતાજનક રીતે ઓછી થઈ રહી છે. મોંગાબેના અહેવાલ અનુસાર જૂની ડામરના રસ્તાઓ આશરે 30 ટકા અને પેવર બ્લોક 50 ટકા પાણી જમીનની નીચે પચાવતા હતા. જોકે મુંબઈ મહાપાલિકા દ્વારા હાલમાં ચાલી રહેલી ઝડપી કોંક્રીટીકરણને લીધે પાણી પચાવવાનું પ્રમાણ શૂન્ય પર પહોંચ્યું છે. સિટીઝન મેટર્સ અનુસાર મુંબઈએ પોતાના મધ્યવર્તી ભાગમાંથી રોજ 2.10 કરોડ લિટર અને ઉપનગરમાંથી રોજ 7.50 કરોડ લિટર પાણી જમીનમાં પચાવવાની નૈસર્ગિક ક્ષમતા ગુમાવી દીધી છે. છેલ્લા ત્રણ દાયકામાં મુંબઈમાં ઈમારતો, રસ્તાઓ અને પેવર બ્લોકનું નેટવર્ક 66 ટકાથી વધી ગયું છે. મુંબઈની 60 ટકાથી વધુ જમીન સિમેંટ હેઠળ દટાઈ ગઈ છે. ઉપગ્રહ તસવીરો અને પર્યાવરણ અભ્યાસુઓના અહેવાલમાં આ ચિંતાજનક માહિતી બહાર આવી છે. પર્યાવરણ સંસ્થા, આઈઆઈટી બોમ્બે અને જામિયા મિલિયા ઈસ્લામિયાના સંયુક્ત શોધનિબંધમાંથી સામે આવેલી આંકડાવારી તો મુંબઈના ભવિષ્ય માટે ચિંતા વધારનારી છે. 1991માં મુંબઈમાં આશરૈ 173 ચો. કિમી ક્ષેત્ર બાંધકામ હેઠળ હતું, જે હવે 346 ચો. કિમી કરતાં વધુ થઈ ગયું છે. ધ બેટર ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર મુંબઈમાં ગીચ લોકવસતિન સિમેંટના જંગલમાં બપોરે તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જાય છે. જોકે ઝાડ છે ત્યાં તાપમાન 32 ડિગ્રી હોય છે. આરે કોલોની જેવા લીલાછમ વિસ્તારમાં તાપમાન 25 ડિગ્રીથી 26 ડિગ્રી સુધી નીચે રહે છે. એક જ શહેરમાં તાપમાનમાં આ 10 ડિગ્રી સેલ્સિયસનો ફરક કોંક્રીટની ઘાતક અસર પર મહોર મારે છે. જાણકારો કહે છે કે વધતા તાપમાનના સંકટ પર ઉપાય શોધવાને બદલે પ્રશાસન વધુ ઝડપથી સિમેંટના રસ્તાઓ બનાવી રહ્યું છે. મુંબઈમાં 701 કિમી રસ્તાનું કોંક્રીટીકરણ પ્રસ્તાવિત છે. આમાંથી પ્રથમ તબક્કામાં 324 કિમીનાં કામ પ્રગતિને પંથે છે. કોંક્રીટીકરણને લીધે નિર્માણ થતી શહેરી ગરમી અને પૂરનું વ્યવસ્થાપન કરવા માટે મુંબઈને ભવિષ્યમાં ન્યૂ યોર્ક શહેરની તુલનામાં બેગણું આર્થિક નુકસાન સહન કરવું પડશે, એવો ઈશારો અપાયો છે. સૌથી વધુ તાપમાન ધરાવતું શહેર વનશક્તિના સંસ્થાપક ડો. સ્ટાલિને જણાવ્યું કે મુંબઈમાં હાલમાં બેસુમાર કોંક્રીટીકરણને લીધે તાપમાનમાં ચિંતાજનક વધારો થયો છે. હવે મુંબઈમાં દિવસ અને રાતના તાપમાનમાં પણ ફરક રહ્યો નથી. દુનિયાના સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરની યાદીમાં મુંબઈનો સમાવેશ થઈ ચૂક્યો છે. 10 વર્ષમાં દોઢ લાખ ઝાડ કાપ્યાં છેલ્લાં 10 વર્ષમાં મહાપાલિકાએ દોઢ લાખ ઝાડ તોડવાની આપેલી પરવાનગી જ ભયાનક ગરમીનું મુખ્ય કારણ છે. હવે તો શહેરમાં ઝાડ વાવવા માટે માટીની જગ્યા જ બચી નથી એવું ખુદ મહાપાલિકાએ માન્ય કર્યું છે. આખા મુંબઈને સિમેંટના હીટ આઈલેન્ડમાં ફેરવવામાં આવ્યું છે, એમ સેવ આરે મુવમેંટના કાર્યકર્તા સંજીવ વાલ્સને જણાવ્યું હતું.
Read Original Article →