કાર્યવાહી:મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીમાં BJPના નેતા સહિત સાત જણની ધરપકડ કરવામાં આવી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈ) પરથી વિશ્વસનીય માહિતીને આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ઓપરેશન ગોલ્ડન નેક્સસ હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવીને રૂ. 5 કરોડના સોના સાથે સાત જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ભાજપના નેતાનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી રવિવારે પરોઢિયે 2.30 વાગ્યે કરવામાં આવી હતી. કુલ 3.2 કિલો વિદેશી મૂળનું સોનું મીણના સ્વરૂપમાં જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીઓમાં ભાજપનો નેતા અજિત આચરેકર સિવાય બાંગ્લાદેશી, શ્રીલંકન નાગરિકો અને એરપોર્ટ ખાતે દાણચોરીનું સોનાની ડિલિવરી લેવા આવેલા તસ્કરનો પણ સમાવેશ થાય છે. આચરેકર તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ રવીંદ્ર ચવ્હાણની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમમાં પક્ષ સાથે જોડાયા હતા. તેમને તુરંત વર્કર્સ યુનિયનની જવાબદારી સોંપવામાં આવી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. બાંગ્લાદેશી અન શ્રીલંકન કેરિયર: બેંગકોકથી આ સોનું બાંગ્લાદેશી અને શ્રીલંકન નાગરિકો પાસેથી દાણચોરીથી મુંબઈમાં લવાતું હતું, જે પછી એરપોર્ટમાંથી બહાર કાઢવામાં અમુક એરપોર્ટના કર્મચારી સંડોવાયેલા હતા, જેઓ એરપોર્ટની બહાર સોનું લાવ્યા પછી પ્રાપ્તિકર્તા તસ્કરને તે સોંપી દેતા હતા, એમ ડીઆરઆઈના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. સોનું પકડાયા પછી તુરંત ઓળખ કરીને ટ્રાન્ઝિટ પ્રવાસીઓને પકડી પાડવામાં આવ્યા હતા, જેઓ બાંગ્લાદેશી અને શ્રીલંકન નાગરિક છે અને સિંડિકેટ માટે કામ કરતા હતા. તેઓ કનેક્ટિંગ ફ્લાઈટ થકી દેશ છોડીના ભાગવાના પ્રયાસમાં હતા. તેઓ શરીરમાં સોનું છુપાવીને લાવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Read Original Article →