જૂનાં મંદિરો મટે અલગથી નિર્ણય:ઉગ્ર વિરોધ બાદ દેવસ્થાન ઈનામ જમીન કાયદો હાલપૂરતો મોકૂફ: મંદિરોના અધિકારો અકબંધ
રાજ્યનાં મંદિરોને ભેટમાં મળેલી જમીનોને લઈને મહારાષ્ટ્ર સરકાર હવે મોટા પગલાં ભરવાની તૈયારીમાં છે. મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ નાગપુરમાં મહત્વપૂર્ણ જાહેરાત કરતાં સ્પષ્ટ કર્યું કે, સરકાર કોઈપણ સંજોગોમાં મંદિરોના અધિકારો સાથે કોઈ સમાધાન નહીં કરે. રાજ્યભરમાં ફેલાયેલી અંદાજે 5.5 લાખ હેક્ટર મંદિર ભેટ જમીનોનું રક્ષણ કરવા માટે સરકાર હવે નવો અને વધુ સ્પષ્ટ કાયદો લાવશે. ઉલ્લેખનિય છે કે, દેવસ્થાન ઈનામ જમીન કાયદાને લઈને રાજ્યમાં હિંદુ અને જૈન સમાજ તરફથી વિરોધ દર્શાવવામાં આવ્યો છે, અને આ નવિન કાયદા સામે અનેક વાંધાઓ રજુ કરવામા઼ આવ્યા હતા. બાવનકુલેએ જણાવ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજના સમયથી અનેક મંદિરોને ભેટરૂપે જમીનો આપવામાં આવી હતી. પરંતુ વર્ષો દરમિયાન આ જમીનો પર મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું છે. ઘણી જગ્યાએ તો મંદિરોના નામે જમીન હોવા છતાં તેનો વાસ્તવિક કબજો અન્ય લોકો પાસે છે. કેટલાક સ્થળોએ કુળ કાયદો લાગુ પડે છે, તો ક્યાંક વર્ષોથી ભોગવટો ચાલતો હોવાથી મંદિરો પોતાની જ જમીનનો ઉપયોગ કરી શકતા નથી. પ્રભાવશાળી લોકોના કબજાઓને કારણે અનેક મંદિરો કાનૂની લડાઈ લડી રહ્યા છે. વાંધા સૂચનો બાદ સરકારે આ ડ્રાફ્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગે મંદિર ભેટ જમીનો માટે અલગ કાયદો બનાવવાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. 6 મેના જાહેર કરાયેલા આ ડ્રાફ્ટ પર સૂચનો અને વાંધા માંગવામાં આવ્યા હતા. 5 જૂન સુધીમાં મોટી સંખ્યામાં પ્રતિસાદ મળતાં સરકારે હાલ આ ડ્રાફ્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બાવનકુલેએ જણાવ્યું કે મંદિરો, હિન્દુત્વ સંગઠનો અને સંબંધિત સંસ્થાઓમાં ઉભી થયેલી ગેરસમજો દૂર કરવી જરૂરી છે. હવે તમામ વાંધાઓ અને સૂચનોને વિગતવાર સાંભળ્યા બાદ જ આગળનો માર્ગ નક્કી કરવામાં આવશે. જૂનાં મંદિરો મટે અલગથી નિર્ણય સરકાર આ સુધારેલા કાયદાને ડિસેમ્બરમાં યોજાનારા શિયાળુ સત્રમાં રજૂ કરવાની તૈયારીમાં છે. બાવનકુલેએ કહ્યું કે 100થી 200 વર્ષથી મંદિરોના કબજામાં ન હોય તેવી જમીનો અંગે અલગથી નિર્ણય લેવાશે. કેટલીક જમીનો મંદિરોને પરત આપી શકાય છે, તો કેટલીક બાબતોમાં અલગ વ્યવસ્થા કરવી પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્ય સરકાર એવો કાયદો લાવશે જે મંદિર ભેટ જમીનોનું રક્ષણ કરશે અને મંદિરોને તેમના હકો ફરી અપાવશે. 15 સપ્ટેમ્બર સુધીમાં ડ્રાફ્ટ તૈયાર કરાશે નવો કાયદો તૈયાર કરવા માટે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ વિકાસ ખડગેની અધ્યક્ષતામાં વિશેષ સમિતિ રચાશે. આ સમિતિમાં વિભાગીય કમિશનર, જિલ્લા કલેક્ટર, નાયબ સચિવો ઉપરાંત 15 મંદિર પ્રતિનિધિઓ અને કાનૂની નિષ્ણાતોને પણ સ્થાન આપવામાં આવશે. 15 ઓગસ્ટ સુધી તમામ સૂચનો સાંભળ્યા બાદ 15 સપ્ટેમ્બર સુધીમાં નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવાની યોજના છે.
Read Original Article →