સિટી એન્કર:સતીશ વ્યાસના પુસ્તક ‘નાટ્ય રંગોત્સવ'નું પ્રવીણ સોલંકીને હસ્તે લોકાર્પણ
'સતીશ વ્યાસે નાટ્યજગતના બધા જ રંગોનું મેઘધનુષ રચ્યું છે. વેદવ્યાસ વિશે કહેવાય છે કે જગતમાં એવું કશું નથી જે મહાભારતમાં ન હોય. સતીશ વ્યાસ માટે કહેવાશે કે નાટ્યજગતનું એવું કશું નથી કે જે એમના પુસ્તકમાં અને હવે આવનારા પુસ્તકમાં નથી. એમનો નાટક સાથે જૂનો નાતો છે, અભ્યાસ છે, અભિવ્યક્તિની આવડત છે.'- એવા શબ્દોમાં સંતૂરવાદક, કટારલેખક તથા ગાયક સ્નેહલ મુઝુમદારે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી અને પ્રસંગોચિત્ત બે મંગલાષ્ટક રજૂ કર્યાં હતાં. પ્રસંગ હતો સતીશ વ્યાસ લિખિત પુસ્તક 'નાટ્ય રંગોત્સવ'ના લોકાર્પણનો. સ્થળ હતું -ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીનું એસ.પી.જૈન ઓડિટોરિયમ. ભરચક સભાગૃહમાં નાટ્યલેખક પ્રવીણ સોલંકીએ પુસ્તકનું લોકાર્પણ કરતાં શુભેચ્છાઓ પાઠવી હતી. તે પછી ભવાઈની રજૂઆત થઈ. કટારલેખક વિકાસ ઘનશ્યામ નાયક અને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી કેયુરી શાહે 'પુસ્તકનો વેશ' (અનુરાગ પ્રપન્ન દ્વારા લિખિત) ભવાઈ રજૂ કરી જેણે ખૂબ દાદ મેળવી. ભવાઈ પછી એક વાચિકમ રજૂ થયું - સતીશ વ્યાસ લિખિત રેડિયોનાટક 'શિયાળાની સવાર'. સતીશ વ્યાસ 'લાફ્ટર સ્ટેશન' નામે જે શો કરે છે, તેમાંની આ હાસ્યસભર નાટિકા હતી. કલાકારો હતાં અભિનેત્રી મીનળ પટેલ, નાટક- સિરિયલ્સ- ફિલ્મોની અભિનેત્રી ભક્તિ રાઠોડ અને કલાકાર નીલેશ જોશી.એ પછી પુસ્તકનું લોકાર્પણ પ્રવીણ સોલંકીના હસ્તે થયું. અભિનેત્રી ભક્તિ રાઠોડે સતીશ વ્યાસ સાથે સંવાદ કર્યો. મધ્યાંતર પછી રજૂ થયું- છબરડાની છાબડી.. નાટકમાં થતા ગરબડગોટાળાની રજૂઆત કરી રમાકાંત ભગતે. એના પછી એક વાચિકમ રજૂ થયું . 'ટુ સર વિથ લવ ..' લેખક સતીશ વ્યાસના એકાંકી સંગ્રહ 'તૃષા અને તૃપ્તિ' માંથી આ એકોક્તિ લેવામાં આવી હતી. તેની રજૂઆત કરી કલાકાર ચિરાગ વોરાએ. ચિરાગ વૉરાની ભાવભીની અને સંકુલ પ્રસ્તુતિએ પ્રેક્ષકોની આંખો ભીની કરી દીધી.સતીશ વ્યાસની કલમ હાસ્યની સાથે સાથે લાગણી અને સંવેદન પણ એટલી જ કુશળતાથી રજૂ કરી શકે છે એની સૌને પ્રતીતિ થઈ. ડૉ. પ્રીતિ જરીવાલાએ સતીશભાઈની હાસ્યએકોક્તિની રજૂઆત કરી- જેલમાં કવિસંમેલન. એ પછી જૂની રંગભૂમિનાં ગીતોનો કાર્યક્રમ રજૂ થયો હતો. એના કલાકારો હતાં , સ્નેહલ મુઝુમદાર, મંજરી મુઝુમુદાર, રાજુલ દિવાન, અમી શાહ, વિકાસ નાયક અને મીનળ પટેલ. કીબોર્ડ ઉપર સંગત આપી કાનજી પટેલે અને ડફલી ઉપર તુષાર ભૂતા હતા.જૂની રંગભૂમિનાં ગીતો સાંભળીને પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યાં હતાં. સ્નેહલ મુઝુમદારે માસ્ટર અશરફખાનની શૈલી- ઠુમરીમાં 'એકસરખા દિવસો...' ગાઈને પ્રેક્ષકોને જૂના દિવસોની યાદ અપાવી હતી. ભવન સાથે લલિત શાહનું જોડાણ
અંતમાં વિદાય લઈ રહેલા એડમિનિસ્ટ્રેટર લલિત શાહે ભવન સાથે પોતાના ત્રેવીસ વર્ષના જોડાણની વાત કરી હતી. આ સમયે નાટ્ય દિગ્દર્શક દિનકર જાની, નાટ્ય કલાકાર બકુલ ઠક્કર, કલામર્મી પ્રવીણ વ્યાસ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડૉ. રાજ બ્રહ્મભટ્ટ અને કવિ રાજેન બ્રહ્મભટ્ટ, સંગીતકાર સુરેશ જોશી, ભૂતપૂર્વ તંત્રી ભરત ઘેલાણી, વિવેચક દીપક મહેતા, દૂરદર્શન સાથે દાયકાઓ સુધી જોડાયેલા વિદ્યુત શાહ, ગાયિકા રેખા ત્રિવેદી, લેખિકા મેધા ત્રિવેદી, લેખિકા કૃષ્ણા ગાંધી અને ગઝલકાર હેમંત કારિયા તથા સ્મિતા શુક્લનો સમાવેશ થતો હતો. સંચાલન કવિ સંજય પંડ્યાએ કર્યું હતું. આભારવિધિ લીના સતીશ વ્યાસે કરી હતી.
Read Original Article →