મંડે પોઝિટિવ:ગરીબનગર ઝૂંપડાં હટાવવાથી બાન્દરા ટર્મિનસની ક્ષમતા 50 ટકા વધશે
બાન્દરા પૂર્વના ગરીબનગર ખાતે અતિક્રમણ હટાવીને રેલવેને પાછી મળેલી લગભગ 5200 સ્કવેર મીટર જગ્યાનો ઉપયોગ હવે બાન્દરા ટર્મિનસના વિસ્તરણ માટે કરવામાં આવશે. તેથી એની ક્ષમતા હવે 50 ટકા વધી જશે. આ જગ્યા પર નવા પ્લેટફોર્મ, સ્ટેબલિંગ લાઈન્સ, પ્રવાસી સુવિધા તેમ જ ઉપનગરીય રેલવે સાથે વધુ કનેક્ટિવિટી નિર્માણ કરવાની મહત્વકાંક્ષી યોજના પશ્ચિમ રેલવે તરફથી તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી ઉપલબ્ધ જગ્યાના અભાવે બાન્દરા ટર્મિનસના વિસ્તરણ પર મર્યાદા હતી. પણ ગરીબનગરનું અતિક્રમણ હટાવીને મળેલી જગ્યાના લીધે આ માર્ગ હવે ખુલ્યો છે. પ્રસ્તાવિત યોજના વાસ્તવિકતામાં પલટાશે ત્યારે બાન્દરા મુંબઈના સૌથી મહત્વના એકાત્મિક રેલવે કેન્દ્રમાંથી એક બની શકશે. એમાંથી વધુ ટ્રેન, સુધારેલી કનેક્ટિવિટી અને પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ થવાનો માર્ગ હવે ખુલ્લો થયો છે. ઉપનગરીય ટ્રેન સાથે વધુ કનેક્ટિવિટી નિર્માણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાન્દરા ટર્મિનસ અને આ શેડને જોડતો સ્વતંત્ર રેલવેમાર્ગ ઊભો કરવાની યોજના છે. તેથી એન્જિનની હિલચાલ વધુ સહેલી થશે. રેલવે પ્રશાસને તાજેતરમાં અતિક્રમણ હટાવ ઝુંબેશ અમલમાં મૂકીને આ જમીન તાબામાં લીધી હતી. એ પછી જમીન સંરક્ષિત કરવામાં આવી. આ જગ્યા બાન્દરા રેલવે કોમ્પ્લેક્સના લાંબા ગાળાની વિકાસ રૂપરેખાનું કેન્દ્રબિંદુ બનશે. બાન્દરા ટર્મિનસની દાદર તરફની દિશામાં ડીઝલ એન્જિન દેખભાળ શેડ ઊભો કરવાનો પ્રસ્તાવ છે. વધુ મેલ-એક્સપ્રેસનું નિયોજન શક્ય : અત્યારે બાન્દરા ટર્મિનસથી દરરોજ લગભગ 22 મેલ અને એક્સપ્રેસ ટ્રેન દોડાવવામાં આવે છે. પ્રસ્તાવિત વિસ્તરણ પૂરું થયા પછી ઉત્તર ભારત સહિત વિવિધ દિશામાં દોડતી લગભગ એકાદ ડઝન અતિરિક્ત લાંબા અંતરની ટ્રેનનું નિયોજન અહીંથી કરવું શક્ય થશે. તેથી મુંબઈના બીજા ટર્મિનસ પરનો તાણ ઓછો થવામાં મદદ થશે. પ્રવાસીઓને ઉત્તમ સુવિધા આપવા પર રેલવે પ્રશાસનને ભાર મૂક્યો છે. રિક્ષા-ટેક્સી માટે સ્વતંત્ર લેન : સ્ટેશનની પૂર્વ તરફના ભાગમાં વધુ પ્રવાસી સુવિધા, સહેલો પ્રવેશમાર્ગ, પરિવહન વ્યવસ્થાપન અને સ્વતંત્ર પાર્કિંગ સુવિધા વિકસિત કરવાનો વિચાર ચાલુ છે. ઉપરાંત બાન્દરા ઉપનગરીય રેલવે સ્ટેશન અને બાન્દરા ટર્મિનસ વચ્ચે સરસ કનેક્ટિવિટી નિર્માણ કરવાની લાંબા ગાળાની રૂપરેખા છે. આરટીઓ અને રાજ્ય સરકારના સમન્વયથી રિક્ષા અને ટેક્સી માટે સ્વતંત્ર લેન વિકસિત કરવાની યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે.
Read Original Article →