મોટી કાર્યવાહી:નીટ પેપર લીક કેસમાં પુણેના આરસીસી ક્લાસીસને મહાપાલિકા દ્વારા સીલ કરાયા

Gujarat5/21/2026, 12:16:31 AM
નીટ- યુજી પેપર લીક કેસમાં જેના માલિકની ધરપકડ કરવામાં આવી છે તેના રેણુકાઈ કરિયર સેન્ટર (આરસીસી) ધરાવતાં સંકુલોને પુણે મહાપાલિકા દ્વારા બુધવારે સીલ કરવામાં આવ્યા હતા. આ સેન્ટરો ઓક્યુપન્સી સર્ટિફિકેટ વિના ચલાવવામાં આવતા હતા એવું બહાર આવ્યા પછી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. આ ક્લાસીસ પુણેના ડેક્કન જિમખાના વિસ્તારમાં જંગલી મહારાજ રોડ પર સ્થિત બોરાવાકે ઈમારતમાંથી ચલાવવામાં આવતા હતા. આરસીસી ક્લાસીસના માલિક શિવરાજ રઘુનાથ મોટેગાવકરની 17 મેએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. લાતુરમાં તેના સંકુલો ખાતે તલાશીમાં તેના મોબાઈલ ફોનમાંથી 3 મેએ યોજાયેલી પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરાયા હતા એવું બહાર આવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેના કોચિંગ સેન્ટરની નવ શાખાઓ છે.અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મસે) દ્વારા પુણે મહાપાલિકાને ફરિયાદ પરથી આરસીસી ક્લાસીસ જ્યાંથી ચલાવવામાં આવે છે તે ઈમારતની તલાશી લેતાં ઓક્યુપન્સી સર્ટિફિકેટ નથી એવું બહાર આવ્યું છે. પુણે મહાપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મહાપાલિકા દ્વારા આ ઈમારતને ઓક્યુપન્સી સર્ટિફિકેટ અપાયું નહોતું. ફાયર વિભાગે તેને નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપ્યું નહોતું. આમ છતાં સંકુલો અનધિકૃત રીતે ક્લાસીસ ચલાવવા માટે ઉપયોગ કરાતાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. મહામંડળના ઈમારત વિભાગે મિલકત માલિકને નોટિસ જારી કરીને ક્લાસીસ બંધ કરવા માટે સૂચના આપી હતી. જોકે મહાપાલિકાની નોટિસની ઐસીતૈસી કરીને ક્લાસીસ ચાલુ રખાયા હતા. આખરે બુધવારે સંકુલને સીલ કરાયાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. તપાસકર્તાઓ અનુસાર મોટેગાવકર સંગઠિત ટોળકીનો સક્રિય સભ્ય છે. તેણે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (એનઈઈટી- નીટ)- અંડરગ્રેજ્યુએટ (યુજી) પેપર લીક અને વિતરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
Read Original Article →