NEET પેપર લીકમાં પુણે કનેક્શન ચર્ચાનો વિષય:હજારો નિષ્ણાતો હોવા છતાં એનટીએ દ્વારા પુણેના જ ત્રણ લોકોને મહત્ત્વની જવાબદારી કેમ સોંપાઈ?
નીટ પેપર લીક કેસમાં હવે નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય પ્રોફેસરો પુણે શહેરમાં એકબીજાથી માત્ર એકથી બે કિલોમીટરના અંતરે રહે છે એવું સામે આવ્યું છે. દેશભરમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના હજારો નિષ્ણાત પ્રોફેસરો હોવા છતાં, એનટીએ દ્વારા એક જ શહેરના ત્રણ નિષ્ણાતોને મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. આ કારણે હવે એનટીએની પસંદગી પ્રક્રિયા અને કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સીબીઆઈએ અત્યાર સુધીમાં પુણેથી ચાર જણની ધરપકડ કરી છે, જેમાં પી.વી. કુલકર્ણી, મનીષા માંઢરે અને મનીષા હવાલદાર પ્રોફેસર છે, જ્યારે મનીષા વાઘમારે બ્યુટિશિયન છે. કુલકર્ણી રસાયણશાસ્ત્રના નિષ્ણાત તરીકે એનટીએ સમિતિમાં હતા, જ્યારે મનીષા માંઢરે અને મનીષા હવાલદાર અનુક્રમે જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રના નિષ્ણાત તરીકે પેપર સેટર સમિતિમાં સામેલ હતાં. આ ત્રણેય શિવાજી નગર, ડેક્કન અને બુધવાર પેઠ વિસ્તારમાં શિક્ષણ કાર્ય કરતાં હતાં. તપાસ દરમિયાન ખૂલ્યું છે કે, મનીષા માંઢરે અને મનીષા હવાલદાર વચ્ચે નજીકનો સંબંધ હતો અને બંને મળીને પેપર લીક કૌભાંડમાં સંકળાયેલાં હતાં. મનીષા વાઘમારે મારફત વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી સંપર્ક સાધવામાં આવ્યો હતો. સીબીઆઈ અનુસાર, મનીષા હવાલદારે ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મનીષા માંઢરે સાથે આદાનપ્રદાન કર્યા હતા અને તે પ્રશ્નો નીટની વાસ્તવિક પરીક્ષામાં જોવા મળ્યા હતા. પ્રિન્સિપાલ પદેથી નિવૃત્ત થવાનાં હતાં
સીબીઆઈની પૂછપરછ બાદ શેઠ હીરાલાલ સરાફ સ્કૂલની પ્રિન્સિપાલ મનીષા હવાલદારની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે તેઓ માત્ર એક મહિનામાં નિવૃત્ત થવાનાં હતાં. સીબીઆઈએ તેમના ઘરની તેમ જ શાળાની તપાસ કરીને સીસીટીવી ફૂટેજ, કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. શાળાએ તેમને સસ્પેન્ડ કરી દીધા
શાળાના સચિવ સતીશ ગવળીએ જણાવ્યું કે, મનીષા હવાલદારે એનટીએ સાથે જોડાણ અંગે સંસ્થાને કોઈ જાણકારી આપી નહોતી. ઘટનાની માહિતી મીડિયા મારફતે મળતાં સંસ્થાએ તેમને સસ્પેન્ડ કરી દીધા છે. આ સમગ્ર મામલાએ એનટીએની વિશ્વસનીયતા અને પરીક્ષા વ્યવસ્થાની પારદર્શકતા અંગે દેશભરમાં ચર્ચા જગાવી છે.
Read Original Article →