22 જિલ્લાની 31 મહાપાલિકાઓમાં યોજના લાગુ કરવા પ્રસ્તાવનો નિર્દેશ:રસ્તા પર રખડતા, દુર્લક્ષિત બાળકોના પુનર્વસન માટે મોબાઈલ સ્કવોડ યોજના

Gujarat5/25/2026, 12:57:46 AM
રસ્તા પર રહેતા અનાથ, એકલા અને દુર્લક્ષિત બાળકોના પુનર્વસન માટે મોબાઈલ સ્કવોડ યોજના છ જિલ્લામાં સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ હતી. આ યોજનાના પગલે 22 જિલ્લાની 31 મહાપાલિકાઓમાં મોબાઈલ સ્કવોડ યોજના માટે પ્રસ્તાવ મગાવવાનો નિર્દેશ મહિલા અને બાલવિકાસ મંત્રી અદિતી તટકરેએ આપ્યો છે. મંત્રાલયમાં મોબાઈલ સ્કવોડ યોજના સંદર્ભે આયોજિત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત હતા. આ યોજના અંતર્ગત મોબાઈલ વાહનોના માધ્યમથી રસ્તા પરના બાળકોને પૌષ્ટિક આહાર, આરોગ્ય સેવા, શિક્ષણ, મનોરંજન સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. તેમ જ બાળકોની આધાર નોંધણી, કાઉન્સેલિંગ, માનસિક આધાર અને વાલીઓમાં શિક્ષણ બાબતે જનજાગૃતિ કરવામાં આવે છે. રસ્તા પરના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવે છે. આ પહેલાં નાશિક, પુણે, મુંબઈ શહેર, ઉપનગરો, થાણે અને નાગપુર એમ છ જિલ્લામાં આ પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રકલ્પ દ્વારા અત્યાર સુધી 3 હજાર 803 બાળકોને શૈક્ષણિક, આરોગ્ય, મનોરંજન તેમ જ આહાર સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવામાં સફળતા મળી છે. એમાં પુણે જિલ્લામાં સૌથી વધુ 1 હજાર 679, મુંબઈ શહેરમાં 810, થાણેમાં 750, નાશિકમાં 285 અને નાગપુરમાં 279 બાળકોનો સમાવેશ છે. નિયમોના ઉલ્લંઘનથી કરાર રદ સંબંધિત સંસ્થાઓએ બાલ કલ્યાણ સમિતી, બાલ હક આયોગ અને સ્થાનિક પોલીસ પ્રશાસનને પોતાના કાર્યક્ષેત્રની માહિતી આપવી જરૂરી રહેશે. સંસ્થાઓ તરફથી નવેસરથી અરજી મગાવવામાં આવશે. સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંબંધિત સંસ્થાનો કરાર રદ કરીને બીજી સંસ્થાની નિયુક્તી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
Read Original Article →