મુંબઈ:સમુદ્રમાં ભરાવ નાખીને નિર્માણ કરેલી જમીન પર વૃક્ષોનું વાવેતર ટૂંક જ સમયમાં શરૂ કરાશે

Gujarat6/9/2026, 12:00:55 AM
મુંબઈ:સમુદ્રમાં ભરાવ નાખીને નિર્માણ કરેલી જમીન પર વૃક્ષોનું વાવેતર ટૂંક જ સમયમાં શરૂ કરાશે
મુંબઈના મહત્વકાંક્ષી કોસ્ટલ રોડ પ્રકલ્પના લીધે સમુદ્રમાં ભરાવ નાખીને નિર્માણ કરવામાં આવેલી ખુલ્લી જગ્યાનું હરિતપટ્ટામાં રૂપાંતર કરવાની દિશામાં મહાપાલિકાએ પગલાં ભરવાની શરૂઆત કરી છે. વરલી પરિસરમાં વૃક્ષારોપણના પ્રાથમિક કામનો પ્રારંભ થયો છે. બ્રીચકેન્ડી પરિસરમાં પણ ટૂંક સમયમાં વાવેતર શરૂ કરવામાં આવશે. આ વખતે ચોમાસા પહેલાં 15 હજાર વૃક્ષો લગાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં 60 હજાર ઝાડ અને બે લાખ કરતા વધારે છોડ રોપવાની યોજના છે. સમુદ્રમાં ભરાવ નાખીને તૈયાર કરવામાં આવેલી જમીન પર વૃક્ષોનું વાવેતર કરવું મોટો પડકાર છે. આ જમીનમાં કુદરતી ખનિજ, સેન્દ્રિય ઘટક અને જરૂરી પોષકદ્રવ્ય મર્યાદિત હોવાથી ખાસ માવજતની જરૂર હોય છે. એના માટે જમીનની નીચે લગભગ 900 મીટર ઉંડાઈએ ભરાવ અને માટીમાં સુધારાના કામ કરવામાં આવ્યા છે. નિષ્ણાતોના મતે કોસ્ટલ રોડ નજીક ખારા પવન અને કિનારાના હવામાનને પૂરક પ્રજાતીની પસંદગી કરવી અત્યંત મહત્વની છે. પામ, ખજૂર, તાડ, વિવિધ પ્રકારના મેનગ્રોવ્ઝ, કોનોકાર્પસ, જેવા ઝાડ લગાડવાથી ખારા પવનની અસર ઓછી થશે. ખાસ વાત એટલે આ ઝાડ એકથી દોઢ વર્ષ યોગ્ય સંભાળ રાખીને ટકાવવામાં આવે તો એ ઝડપથી વધીને સંપૂર્ણ કોસ્ટલ રોડ પર કાયમીસ્વરૂપી લીલોતરી નિર્માણ થઈ શકે છે. મોનસૂન શરૂ થવા પહેલાં આ ઠેકાણે વૃક્ષોના વાવેતર બાબતે નિષ્ણાતોમાં મતભેદ છે. અત્યારે ગરમી વધારે હોવાથી ભરાવની જમીનનું તાપમાન પણ વધારે હોય છે. આવી સ્થિતિમાં વાવેતર કરવામાં આવે તો છોડના મૂળ પર વિપરિત અસર થવાની શક્યતા હોય છે. તેથી પહેલાં જમીન તૈયાર કરીને મોનસૂનની શરૂઆતના વરસાદ પછી વાવેતર કરવામાં આવે તો ઝાડ જીવવાનો દર વધારે થઈ શકે છે. શહેરનું હરિતક્ષેત્ર વધારવામાં મદદ મુંબઈમાં વિકાસ પ્રકલ્પ માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવે છે. એના બદલામાં વૃક્ષારોપણ કરવું ફરજિયાત છે છતાં જગ્યાની ઓછપના લીધે આ વાવેતર મુંબઈની બહાર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કોસ્ટલ રોડ પરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ વળતરના વૃક્ષારોપણ માટે થઈ શકે છે. ભવિષ્યમાં મુંબઈના વૃક્ષો કાપવાના બદલે આ પરિસરમાં પર્યાવરણપૂરક પ્રજાતીનું વાવેતર કરવામાં આવે તો શહેરનું હરિતક્ષેત્ર વધારવામાં મદદ થશે. તેમ જ વૃક્ષારોપણ માટે ખાનગી કંપનીના સીએસઆર ભંડોળ પર આધાર રાખવાની જરૂરિયાત ઓછી થતા એ ભંડોળ ગ્રામીણ અને પર્યાવરણની દષ્ટિએ વધુ જરૂરિયાતવાળા ભાગમાં વાપરવું શક્ય થશે. કોસ્ટલ રોડ પરનો હરિતપટ્ટો સૌંદર્યવૃદ્ધિના પ્રકલ્પ સાથે જ મુંબઈના ઘટતા હરિતક્ષેત્રનો વિકલ્પ નિર્માણ કરવાની તક બની શકે છે.
Read Original Article →