પ્રદેશ પ્રમુખ બદલવા દિલ્હી કૂચ કરશે અસંતુષ્ટો:સપકાળ સામે વિરોધ વધુ તેજઃ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઉગ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસમાં લાંબા સમયથી ધીમે ધીમે સળગતો આંતરિક અસંતોષ હવે ખુલ્લા બળવામાં ફેરવાતો જોવા મળી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાલની કાર્યશૈલી સામે ઉઠેલા સવાલો હવે સીધા દિલ્હી દરબાર સુધી પહોંચવાના આરે છે. રાજ્યના અસંતુષ્ટ નેતાઓએ હવે ખુલ્લેઆમ મોરચો ખોલતા કોંગ્રેસના રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચ્યો છે.સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના નારાજ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 8 જૂને નવી દિલ્હી જઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ કે.સી. વેણુગોપાલ સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ બદલવાની સીધી માંગ કરવામાં આવશે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ચકચાર જગાવી છે.ખાસ વાત એ છે કે આ પ્રતિનિધિમંડળમાં 4થી 5 વર્તમાન વિધાનસભ્યો ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અનેક વરિષ્ઠ પદાધિકારીઓ પણ સામેલ હોવાની માહિતી સામે આવી છે. જેના કારણે આ મુદ્દો હવે માત્ર આંતરિક નારાજગી સુધી મર્યાદિત રહ્યો નથી, પરંતુ કોંગ્રેસ માટે મોટું સંગઠનાત્મક સંકટ બની રહ્યો છે. આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ પક્ષમાં તાજેતરમાં હાથ ધરાયેલું સંગઠન નિર્માણ અભિયાન માનવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં શહેર પ્રમુખો અને જિલ્લા પ્રમુખોની કરાયેલી નવી નિમણૂકો દરમિયાન સ્થાનિક નેતાઓ અને વરિષ્ઠોને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
Read Original Article →