મુંબઈમાં પ્રશાસન સફાળું જાગ્યું:અગ્નિસુરક્ષાના નિયમોનો ભંગ કરનાર રેસ્ટોરાં સામે પાલિકાના ચાબખા: માત્ર 4 એકમો સુધર્યા

Gujarat6/6/2026, 12:42:09 AM
મુંબઈમાં પ્રશાસન સફાળું જાગ્યું:અગ્નિસુરક્ષાના નિયમોનો ભંગ કરનાર રેસ્ટોરાં સામે પાલિકાના ચાબખા: માત્ર 4 એકમો સુધર્યા
મુંબઈમાં વધતી આગની ઘટનાઓ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ ફાયર બ્રિગેડે હવે હોટલો, નાના લોજિંગ હાઉસ અને વિવિધ વ્યાવસાયિક આસ્થાપનો સામે કડક તપાસ અભિયાન શરૂ કર્યું છે. મુખ્ય અગ્નિશમન અધિકારી (સીએફઓ) રવિન્દ્ર આંબુલગેકરે આપેલી માહિતી મુજબ જાન્યુઆરીથી માર્ચ 2026 દરમિયાન શહેરભરમાં 428 હોટલો અને આસ્થાપનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન અગ્નિસુરક્ષાના નિયમોના ભંગ બદલ 17 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે ચિંતાજનક બાબત એ છે કે તેમાંમાંથી માત્ર 4 એકમોએ જ જરૂરી સુધારાઓ કર્યા છે, જ્યારે 13 એકમો હજુ પણ નોટિસ અવધિમાં છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં દિલ્હીની એક હોટલમાં આગની ઘટનામાં 21 લોકાના મોતથી રાજ્ય સરકાર મુંબઈમાં આગની ઘટનાઓને રોકવા ફરીથી સફાળા જાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ફાયર બ્રિગેડ હાલમાં જરૂરી ફાયર અધિકારીઓની અછતનો સામનો કરી રહી છે, જેના કારણે તપાસ કામગીરીમાં થોડો વિલંબ થઈ રહ્યો છે. જોકે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ટૂંક સમયમાં નવા સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી ચેકિંગ અભિયાનને વધુ અસરકારક બનાવી શકાય. તપાસ દરમિયાન ફાયર બ્રિગેડે નિયમો વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા 58 એલપીજી ગેસ સિલિન્ડર ગત જાન્યુઆરથી માર્ચના સમય દરમિયાન જપ્ત કર્યા હતા. હાલમાં કોઈ હોટલ અથવા આસ્થાપનાનું પાણી કે વીજ પુરવઠું બંધ કરવામાં આવ્યું નથી, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થશે. સીએફઓ રવિન્દ્ર આંબુલગેકરે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2025 દરમિયાન કુલ 2,771 હોટલો અને આસ્થાપનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તે સમયે 22 નોટિસો આપવામાં આવી હતી અને તમામ એકમોએ જરૂરી સુધારા કરી નિયમોનું પાલન કર્યું હતું. તે અભિયાન દરમિયાન 190 એલપીજી સિલિન્ડર જપ્ત કરાયા હતા. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ ઘણી જગ્યાએ ઇમરજન્સી એક્ઝિટ બંધ હાલતમાં જોવા મળી હતી, જ્યારે સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ અને અન્ય અગ્નિશમન સાધનો કાર્યરત નહોતા. આવી બેદરકારી આગ જેવી દુર્ઘટના સમયે જીવલેણ સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં ફાયર ચેકિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં ફાયર બ્રિગેડ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરશે, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી અને માત્ર એક જ એક્ઝિટ ધરાવતી દુકાનો તથા એકમોની ખાસ તપાસ કરવામાં આવશે. જોકે રવિન્દ્ર આંબુલગેકરે સ્પષ્ટ કર્યું હતું કે, જો આવા એકમોમાં ગેસ સિલિન્ડરની જગ્યાએ વીજ આધારિત પ્રોડક્શન કિચનનો ઉપયોગ થતો હશે તો સિંગલ એક્ઝિટને પણ નિયમ મુજબ માન્ય ગણવામાં આવશે.
Read Original Article →