FDAની મોટી કાર્યવાહી:કરોડોનાં મેડિકલ ડિવાઇસ અને દવાઓ જપ્ત
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) કાયદાનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ, ભિવંડી અને પાલઘર ખાતે મેડિકલ ડિવાઇસ નિયમ 2017 હેઠળ કરાયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 2 કરોડ 17 લાખ રૂપિયાના મેડિકલ ડિવાઇસ અને દવાઓના જથ્થા પર કાર્યવાહી કરવામાં આવી છે. એફડીએની તપાસમાં મુંબઈના સાકીનાકા વિસ્તારમાં આવેલી મેસર્સ સાચી મેડિક નામની કંપની પરવાનગી વિના મલેશિયાથી લાખો સર્જિકલ ગ્લોવ્ઝ આયાત કરી તેનો સંગ્રહ અને વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. કંપની દ્વારા આ ગ્લોવ્ઝને ભિવંડી અને વાડાની અન્ય કંપનીઓ મારફતે પેકિંગ અને લેબલિંગ કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતા હતા. એફડીએએ અહીંથી 74.85 લાખ રૂપિયાના નોન-સ્ટરાઇલ અને સ્ટરાઇલ ગ્લોવ્સ જપ્ત કર્યા હતા. તપાસમાં કેટલાક ગ્લવ્ઝ મુંબઈ મહાપાલિકાની હોસ્પિટલોને સપ્લાય કરાયા હોવાની પણ માહિતી મળી છે. આ કેસમાં આગળની કાર્યવાહી રૂપે ભિવંડી સ્થિત મેડિકલ ડિવાઇસ ઉત્પાદન એકમમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં તબીબી ઉપકરણોના નિયમો 2017નું ઉલ્લંઘન સામે આવ્યું હતું. કંપની પાસે ગુણવત્તા વ્યવસ્થાપન સિસ્ટમ, અને પ્લાન્ટ માસ્ટર ફાઈલ જેવી જરૂરી વ્યવસ્થાઓ નહોતી. પરિણામે એફડીએએ 9.88 લાખ રૂપિયાના સર્જિકલ ગ્લોવ્ઝનો જથ્થો સીલ કરીને ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
Read Original Article →