ગ્રોસરી આઈટમોની આડમાં ગાંજાની દાણચોરી:NCBની મોટી કાર્યવાહીઃ 700 કિલો ગાંજા સાથે બેની ધરપકડ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની મુંબઈ શાખા દ્વારા ગોંદિયામાંથી 702 કિલો ગાંજા સાથે બે જણની ધરપકડ કરીને આંતરરાજ્ય ગાંજા તસ્કરીનું મોટું નેટવર્ક તોડી પાડ્યું છે. ડ્રગ્સ ગ્રોસરી આઈટમોની આડમાં ઓડિશાથી લાવવામાં આવ્યું હતું અને મુંબઈ સહિત રાજ્યનાં વિવિધ શહેરોમાં પહોંચાડવાની યોજના હતી. ચોક્કસ ઈન્ટેલિજન્સને આધારે એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા ગુરુવારે ગોંદિયામાં મહારાષ્ટ્રનો રજિસ્ટ્રેશન ધરાવતો ટ્રક આંતર્યો હતો, જેની તલાશી લેતાં 702 કિલો ગાંજો મળી આવ્યો હતો. આ સંબંધે પ્રકાશ એમડી અને પદમલાલ એનએમ એમ બે તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો ગ્રોસરી આઈટમો, જેમ કે, ડિટરર્જન્ટ, ટૂથપેસ્ટ, હેર ડાઈના કાર્ગોમાં 100 પેકેટ્સમાં છુપાવવામાં આવ્યો હતો. આ ગાંજો ઓડિશાથી લવાયો હતો. આ કન્સાઈનમેન્ટ નાગપુર, ગોંદિયા, પુણે અને મુંબઈમાં સ્થિત ડ્રગ સિંડિકેટોને પહોંચાડવાની યોજના હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ નિયમિત રીતે ઓડિશાથી મહારાષ્ટ્રમાં મોટી માત્રામાં અગાઉ પણ ગાંજો નિયમિત લાવતા હતા, એમ તપાસમાં બહાર આવ્યું છે. આ સિંડિકેટ તપાસ એજન્સીઓની નજર ચૂકવવા માટે વ્યક્તિગત ધોરણે નહીં પરંતુ એક બલ્ક કન્સાઈમેન્ટમાં ગાંજો લાવતો હતો, જે પછી મહારાષ્ટ્ર અને ગોવાનાં ઘણાં બધાં શહેરોમાં અંતિમ ગ્રાહકો અને સ્થાનિક તસ્કરોને રિટેઈલમાં વિતરણ અને વેચાણ કરતા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Read Original Article →