બળવાખોરો શાંત:વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિનો દબદબોઃ બાર બેઠકો પર ટક્કર રહેશે

Gujarat6/5/2026, 1:13:39 AM
મહારાષ્ટ્ર વિધાન પરિષદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણી 2026 માટેની ચૂંટણી પ્રક્રિયામાં નામાંકન પાછું ખેંચવાના ગુરુવારના અંતિમ દિવસે રાજ્યભરમાં રાજકીય હલચલ તેજ બની હતી. મહાવિકાસ આઘાડીએ મહાયુતિ સામે મજબૂત લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંખ્યાબળ અને આંતરિક મતભેદોના કારણે અનેક સ્થળોએ વિરોધી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા મહાયુતિને મોટો ફાયદો થયો છે. પરિણામે 17માંથી પાંચ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. તેમાં બે બેઠકો શિવસેના, બે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગઈ છે, હવે 12 બેઠકો પર ટક્કર રહેશે. કોંકણના રાયગઢ-રત્નાગિરિ- સિંધુદુર્ગ મતવિસ્તારમાં એનસીપીના ઉમેદવાર અનિકેત તટકરે બિનહરીફ ચૂંટાઈ આવ્યા. ઠાકરેની શિવસેનાના ઉમેદવાર બાલ માનેએ ઉમેદવારી પાછી ખેંચી લેતા આ બેઠક નિર્વિઘ્ન બની હતી. ખાસ વાત એ રહી કે મંત્રી નિતેશ રાણે ખુદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બાદમાં સંજય રાઉતએ બાલ માનેને પક્ષવિરોધી પ્રવૃત્તિ બદલ પક્ષમાંથી બહાર કાઢ્યાની જાહેરાત કરી હતી. પુણેમાં એનસીપીના વિક્રમ કાકડે બિનહરીફ જીત્યા. શરદ પવાર ગઠબંધનના શ્રીકાંત પાટીલ અને ભાજપના બળવાખોર પ્રદીપ કાંડે સહિત અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. થાણેમાં રવિન્દ્ર ફાટક બિનહરીફ ચૂંટાયા, કારણ કે વિરોધી ઉમેદવાર અભિજિત પવાર પાછા હટી ગયા. વર્ધા-ચંદ્રપુર-ગઢચિરોલી બેઠક પરથી ભાજપના અરુણ લાખાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. યવતમાળમાં કોંગ્રેસના ઉમેદવાર સાહેબરાવ કાંબલે અને એમવીએ સમર્થિત સૈયદ ફારૂકે ઉમેદવારી પાછી ખેંચતા દુષ્યંત ચતુર્વેદીનો માર્ગ સરળ બન્યો. બીજી તરફ નાસિક, સાંગલી-સાતારા, નાગપુર, અમરાવતી, સોલાપુર અને પરભણી-હિંગોલી સહિત અનેક બેઠકો પર સીધી ટક્કર જોવા મળશે. નાસિકમાં શિવસેનાના નરેન્દ્ર દરાડે સામે ગોકુલ ગીતે મેદાનમાં રહ્યા છે. અમરાવતીમાં ભાજપના પ્રવીણ પોટે પાટીલ, કોંગ્રેસના હર્ષજીત દેશમુખ અને વંચિતના નિલેશ વિશ્વકર્મા વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો થશે. બિનહરીફ વિજેતા ઉમેદવાર મહાયુતિના આ 5 ઉમેદવારો બિનહરિફ રહેશે જેમાં 1. વર્ધા-ગઢચિરોલી-ચંદ્રપુર: અરુણ લાખાણી, ભાજપ, 2. પુણે: વિક્રમ કાકડે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, 3. થાણે: રવિન્દ્ર ફાટક, શિવસેના, 4. રાયગઢ-રત્નાગિરી-સિંધુદુર્ગ: અનિકેત તટકરે, એનસીપી અને 5. યવતમાલ: દુષ્યંત ચતુર્વેદી, શિવસેનાનો સમાવેશ થાય છે.
Read Original Article →