હોર્મુઝ તણાવની અસર:ઇંધણ અછતને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમસાણ, સત્તાધારી પક્ષ વિરોધીઓના નિશાને

Gujarat5/21/2026, 12:05:08 AM
હોર્મુઝ તણાવની અસર:ઇંધણ અછતને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમસાણ, સત્તાધારી પક્ષ વિરોધીઓના નિશાને
મુંબઈ પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ઈંધણની અછત ફરીથી દેખાવા લાગી છે, જેના કારણે પેટ્રોલ પમ્પો પર વાહનોની કતાર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને અફવાથી દૂર રહેવા અને રાજ્યમાં ઈંધણની કોઈ અછત નથી તેવી હૈયાધારણા આપી છે. જયારે આ મામલે વિપક્ષે સરકારની આકરી ઝાટકણી કાઢી છે. મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધેલા તણાવની અસર અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઊભી થયેલી અસ્થિરતાના કારણે ઈંધણ પરિવહન પ્રભાવિત થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ છે. અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી રહી છે, તો કેટલાક સ્થળોએ નો સ્ટોકના બોર્ડ લગાવવામાં આવ્યા છે. ઈંધણ મેળવવાની દોડમાં ઝઘડા અને હુમલાના બનાવો પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને લઈને વિરોધ પક્ષોએ રાજ્ય સરકાર પર કડક નિશાન સાધ્યું છે. મુંબઈ, નાશિક, છત્રપતિ સંભાજીનગર અને ગઢચિરોલી જેવા જિલ્લાઓમાં પણ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અનેક પંપો પર ડીઝલ ઉપલબ્ધ ન હોવાના બોર્ડ જોવા મળી રહ્યા છે અને માલવાહક પરિવહન વ્યવસાય પર પણ અસર પડી રહી છે. ગઢચિરોલીમાં તો જિલ્લામાં લગભગ 30 ટકા પેટ્રોલપંપ પર નો પેટ્રોલ-નો ડીઝલની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં વધતી અછતને કારણે સામાન્ય જનજીવન અને કૃષિ ક્ષેત્ર બંને પર દબાણ વધી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય જયંત પાટીલે સરકાર પર ટીકા કરતાં કહ્યું કે, શું ડબલ એન્જિન સરકારના એન્જિનમાં પણ તેલ ખતમ થઈ ગયું છે? તેમણે જલગાંવ, અકોલા અને બુલઢાણા જેવા જિલ્લાઓના ઉદાહરણો આપતાં કહ્યું કે, પેટ્રોલ માટે લોકો વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે, અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જલગાંવમાં પેટ્રોલ માટે થયેલા વિવાદ દરમિયાન પંપ કર્મચારી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. મહારાષ્ટ્રમાં ઈંધણની અછત અંગે ચાલી રહેલા રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે મુખ્યમંત્રી દેવેનદ્ર ફડણવીસે પોલીસ વાહનો માટે પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના દાવાને સખત શબ્દોમાં નકારી કાઢ્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે રાજ્યમાં પોલીસ વિભાગ માટે પૂરતું ઇંધણ ઉપલબ્ધ છે, અને કોઈપણ પોલીસ વાહનને ઈંધણના અભાવે રોકાવું પડતું નથી. રાજ્યમાં ફક્ત જાહેરાત બજાર બચ્યું: કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ પુરવઠા વ્યવસ્થા બંને ખોરવાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે સરકાર નહીં, ફક્ત જાહેરાત બજાર બચ્યું છે, એમ કહી તેમણે સરકારને નિષ્ફળ ગણાવી. તેમણે નાગપુરમાં પોલીસ વાહનો માટે પણ ડીઝલ ન હોવાની વાત ઉઠાવી અને સામાન્ય લોકો ઈંધણના દરેક ટીપા માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનો દાવો કર્યો. ડીઝલના ઓછા પુરવઠાથી ખેડૂતોમાં અસંતોષ નાગપુરના ગ્રામિણ વિસ્તારોમાં ડીઝલની અછતને કારણે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે. ટ્રેક્ટરચાલકોને રોજ માત્ર 10 થી 15 લિટર ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે ખેડાણ અને કાપણીના કામો અટકી રહ્યા છે. બુલઢાણામાં પણ ટ્રેક્ટર અને કૃષિ મશીનરી માટે મર્યાદિત ડીઝલ આપવામાં આવતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. સરકાર દ્વારા કર્મચારી સામે કડક કાર્યવાહી મુખ્યમંત્રીએ નાગપુરની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, એક પોલીસકર્મીએ પેટ્રોલ અંગે ખોટી માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ, સંબંધિત પોલીસ વાહનમાં પૂરતું પેટ્રોલ ઉપલબ્ધ હોવા છતાં કર્મચારી દ્વારા બેદરકારીપૂર્વક ખોટો જવાબ આપવામાં આવ્યો હતો. આ મામલાને ગંભીરતાથી લઈને સરકાર દ્વારા સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Read Original Article →