સીબીઆઈની કાર્યવાહી તેજ:નીટ પેપર લીક કેસમાં મહારાષ્ટ્ર મોટું કેન્દ્રઃ CBIના ચોંકાવનારા ખુલાસા

Gujarat5/23/2026, 12:10:01 AM
નીટ યુજી- 2026 પેપર લીક કૌભાંડમાં સીબીઆઈની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. સીબીઆઈના જણાવ્યા મુજબ, પાંચ રાજ્યોમાં નીટના પ્રશ્નપત્રો વેચાયા હતા, જેમાં મહારાષ્ટ્ર સૌથી મોટું કેન્દ્ર બનીને સામે આવ્યું છે, જ્યારે રાજસ્થાન બીજા ક્રમે છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ અને ડિજિટલ ઉપકરણોની તપાસમાં જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્રમાંથી તૈયાર કરાયેલા પ્રશ્ન સંચ અન્ય રાજ્યો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સીબીઆઈના અધિકારીઓનું માનવું છે કે, આ કૌભાંડ હજુ વધુ મોટું બહાર આવી શકે છે, કારણ કે અનેક વાલીઓએ મોટી રકમ ચૂકવીને પ્રશ્નપત્ર મેળવ્યા બાદ તેને અન્ય વિદ્યાર્થીઓ અને પરિવારોને પણ વેચ્યા હોવાના પુરાવા મળ્યા છે. સીબીઆઈ હાલમાં તે તમામ માતા- પિતાની યાદી તૈયાર કરી રહી છે, જેમણે આરોપી શિવરાજ મોટેગાવકર, પી.વી. કુલકર્ણી અને તેમના સાગરીતોનાં ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યાં હતાં. તપાસમાં સામે આવ્યું છે કે, પેપરની નકલો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તૈયાર કરવામાં આવી હતી અને પછી વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવી હતી. સીબીઆઈની અલગ અલગ ટીમો હવે દલાલો, માસ્ટરમાઇન્ડ અને પેપર ખરીદનારા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સુધી પહોંચવા માટે દરોડા પાડી રહી છે. એનટીએ રિફંડ લિંક સક્રિય કરશે આ ઉપરાંત એનટીએ ટૂંક સમયમાં ઉમેદવારો માટે રિફંડ લિંક પણ સક્રિય કરશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ નોંધણી ફીની પરત મેળવવા માટે તેમના બેંક ખાતાની વિગતો સુપરત કરી શકશે. પેપર લીકના આ કૌભાંડે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઊભા કર્યા છે અને દેશભરમાં શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા અંગે ગંભીર ચર્ચા જગાવી છે.
Read Original Article →