અનધિકૃત ધાર્મિક સ્થળ તોડી પાડતાં સ્થાનિકો ઉશ્કેરાયા:બાંદરામાં અતિક્રમણ તોડકામના બીજા દિવસે પોલીસ પર બોટલોથી હુમલો
બાંદરા પૂર્વમાં રેલવે પરિસરમાં મોટી અતિક્રમણ હટાવ કાર્યવાહી ચાલી રહી છે, જેના બીજા દિવસે કેટલીક જગ્યાએ અરાજકતા જોવા મળી હતી. આ કાર્યવાહીનો કેટલાક સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. આ સમયે કેટલાક લોકોએ બોટલ, ડોલ અને પથ્થરો ફેંકવાનો અને પોલીસોને ધક્કે ચઢાવવાનો પ્રયાસ કરાયો હતો. આ હુમલામાં પાંચ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. ત્યાર બાદ પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. એવું લાગે છે કે પ્રશાસને નિર્ણય લીધો છે કે આ કાર્યવાહી ચાલુ રહેશે. આ પ્રકરણે પોલીસે 15થી વધુ તોફાનીઓની ધરપકડ કરી છે.
મુંબઈના બાંદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આરપીએફ અને જીઆરપી અને સ્થાનિક પોલીસોની સુરક્ષા હેઠળ અત્યાર સુધીનું સૌથી મોટું અતિક્રમણ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલાં, એક વિદેશી બ્લોગરે બાંદરામાં રેલવે લાઇન નજીક ઝૂંપડપટ્ટીઓના અતિક્રમણનો વિડિયો પોસ્ટ કરીને સોશિયલ મિડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. આખરે જાગેલા રેલવે પ્રશાસને આ વિસ્તારમાં અતિક્રમણ પર કડક કાર્યવાહીનું શસ્ત્ર ઉપાડ્યું છે.પશ્ચિમ રેલવે સતત બીજા દિવસે બાંદરાના 'ગરીબનગર' ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી કરી રહ્યું છે અને સ્થાનિક લોકોએ આ કામગીરીનો સખત વિરોધ કર્યો છે અને પોલીસ પર બોટલો અને અન્ય વસ્તુઓ ફેંકી. જવાબમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ભીડને વિખેરી નાખી. જોકે વધતા તણાવ અને લોકોની મોટી ભીડને ધ્યાનમાં રાખીને વધારાની પોલીસ ટુકડીઓ અને રમખાણ નિયંત્રણ ટીમને સ્થળ પર બોલાવવામાં આવી છે અને આનાથી સ્પષ્ટ થાય છે કે અતિક્રમણ દૂર કરવાની આ ઝુંબેશ કોઈ પણ સંજોગોમાં ચાલુ રહેશે. દરમિયાન શિવસેના ઠાકરે જૂથના નેતા વરુણ દેસાઈએ આ મામલે પ્રતિક્રિયા આપતાં ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપે જાતિ અને ધર્મનો રંગ આપવાની ખૂબ જ ગંદી રીત અપનાવી છે. તેમણે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે પશ્ચિમ રેલવેના અધિકારીઓ અમને માહિતી આપવા માટે ત્યાં હતા, પરંતુ ભાજપની દરેક બાબતમાં રાજકારણ લાવવાની, દરેક બાબતમાં હિન્દુ- મુસ્લિમ વાર્તા બનાવવાની જૂની રણનીતિએ ફરી એક વાર તેનો પ્રયાસ કર્યો છે. દેસાઈએ ગંભીર આરોપ લગાવ્યો છે કે ભાજપે નિયમિત માળખાગત સુવિધાઓ માટે જે કામ કરવાનું હતું તેને જાતિ અને ધર્મનો રંગ આપવાની ખૂબ જ ગંદી રીત અપનાવી છે. સ્થાનિકો શા માટે ઉશ્કેરાયા હતા
બીજા દિવસે, અધિકારીઓએ બપોરે 3 વાગ્યા પછી આ વિસ્તારમાં ગેરકાયદેસર ત્રણ માળનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું હતું. આ તોડકામ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોલીસ પર હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. હુમલાખોરોની ઓળખ કરી ઝડપી લેવાયા
દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ ધાર્મિક નારાઓ શરૂ કરી દીધા હતા. પોલીસે માઈક દ્વારા ટોળાને શાંતિ રાખવાની વાંરવાર વિનતી કરી હતી, પરંતુ એ દરમિયાન ટોળાએ પોલીસ પર પથ્થરો અને બોટલોનો મારો શરૂ કરી દીધો હતો. કેટલાક તોફાની ઝૂંપડીઓના ટોચના ભાગે ચઢી ગયા હતા. પોલીસે આ મેગા ઓપરેશન દરમિયાન સીસીટીવી કેમેરા લગાડ્યા છે, જેમાં તોફાનીઓની ઓળખ કરી એક એકને સાંકડી ગલીઓમાંથી ઝડપી લીધા હતા. 500થી વધુ ઝૂંપડાં હટાવવામાં આવશે
પશ્ચિમ રેલવેની જમીન પરની અનધિકૃત ઝૂંપડપટ્ટીઓને હટાવીને પાંચ નવા રેલવે પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત હોવાથી પશ્ચિમ રેલ્વેએ આ વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા માટે એક મોટા પાયે કામગીરી શરૂ કરી છે. આ કામગીરીના પહેલા દિવસે, લગભગ 20 ટકા અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા, બીજા દિવસે 60 ટકા ઝૂંપડાં દૂર કરાયાં હતાં. 5200 ચોરસ મીટર વિસ્તારમાં અતિક્રમણ કરાયેલાં 500થી વધુ ઝૂંપડપટ્ટીઓ હોવાથી, વહીવટી તંત્રે જાણ કરી છે કે અતિક્રમણ દૂર કરવાની આ ઝુંબેશ વધુ ત્રણેક દિવસ સુધી ચાલુ રહેશે.
Read Original Article →