અકસ્માત:મુંબઈ- અમદાવાદ હાઈવે પર વિરાર નજીક અકસ્માતમાં જૈન મુનિ ઘાયલ

Gujarat6/8/2026, 12:33:28 AM
અકસ્માત:મુંબઈ- અમદાવાદ હાઈવે પર વિરાર નજીક અકસ્માતમાં જૈન મુનિ ઘાયલ
મુંબઈ-અમદાવાદ હાઈવે પર વિરાર નજીક નેમીસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજી(82) મ.સા. અને તેમની સાથે વિહાર કરીને જઈ રહેલા સુર્વત સેન (55) મહારાજ સાહેબ અને ચાર સેવક પૈકીના એક સેવકને અજાણ્યા ટ્રકે અડફેટે લેતાં ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને ભાગી ગયેલા અજાણ્યા ટ્રકના ડ્રાઈવરની હવે પોલીસ શોધ ચલાવી રહી છે. મોખાડાથી શિરસાડ જઈ રહેલા જૈન મુનિ અને તેમના સેવકોનો કાફલો વહેલી સવારે શનિવારે સવારે 5 :30 આસપાસ પતરાપુલ પાસે પહોંચ્યો હતો. ત્યાં પાછળથી એક ટ્રકે જોરદાર ટક્કર મારતાં પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજીને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે મ.સા. સુર્વત સેનને કમ્મરના ભાગે ઈજા પહોચી હતી. અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. છેવટે એક રાહદારી સ્કુટર સવારે આ ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસ એમ્બ્યુલન્સ લઇને પહોંચી હતી, જેમાં 20થી 25 મિનિટ જેટલો સમય વેડફાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત જૈન મુનિઓ હાઈવે પર લાચાર અવસ્થામાં જણાયા હતા. શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજીને વિલે પાર્લેની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. માંડવી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી રણજિત આંધળેએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 6 જૂને સવારે અકસ્માત થયો હતો, અકસ્માત સ્થળે અંધારું હતું અને ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહીં હોવાથી અમે ટ્રક ડ્રાઈવરને શોધવા તપાસ શરૂ કરી છે, જેમાં એક આઈશર ટ્રક શંકાસ્પદ રીતે નજીકના ટોલ નાકા પાસે દેખાયો હતો. અમે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ કરી રહ્યા છીએ.
Read Original Article →