જૈન સમાજ સક્રિય:દેવસ્થાન કાયદા સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધઃ કાયદો રદ કરવા રાજ્યના મહેસૂલ મંત્રીને આવેદન

Gujarat6/3/2026, 1:42:00 AM
જૈન સમાજ સક્રિય:દેવસ્થાન કાયદા સામે જૈન સમાજનો ઉગ્ર વિરોધઃ કાયદો રદ કરવા રાજ્યના મહેસૂલ મંત્રીને આવેદન
મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ જમીન નિર્મૂલન અધિનિયમ 2026ને લઈને જૈન સમાજમાં ઊઠેલી ચિંતાઓ વચ્ચે મંગળવારે મંત્રાલયમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આયોજિત આ બેઠકમાં રાજ્યના મહેસૂલ મંત્રી ચંદ્રકાંત બાવનકુલે સાથે જૈન ટ્રસ્ટીઓ અને આગેવાનોએ વિસ્તૃત ચર્ચા કરી હતી. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાની આગેવાની હેઠળ યોજાયેલી આ બેઠકમાં મુંબઈ જૈન સંગઠન તરફથી નીતિનભાઈ વોરા, હિરેનભાઈ શાહ અને અતુલભાઈ વી. શાહ સહિતના પ્રતિનિધિઓએ મહેસલ મંત્રીને આવેદનપત્ર સોંપ્યો હતો. તેમાં મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ જમીન નિર્મૂલન અધિનિયમ 2026ને રદ કરવાની માગણી સાથે જૈન મંદિરો અને ટ્રસ્ટોની લાગણીઓ તથા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન બાવનકુલેએ જૈન સમાજની રજૂઆતોને ગંભીરતાથી સાંભળતાં ટ્રસ્ટીઓ સાથે સંવાદ માટે સકારાત્મક વલણ દર્શાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મંદિરોમાંથી 12 સભ્યો અને મંત્રાલયના ચાર અધિકારીઓની સંયુક્ત સમિતિ રચવામાં આવશે. આ સાથે દેવસ્થાન સમિતિ ઉપરાંત જૈન ટ્રસ્ટો વતી મુંબઈ જૈન સંગઠનને પણ આ કમિટીમાં સ્થાન આપવામાં આવશે. બાવનકુલેએ વધુમાં આશ્વાસન આપ્યું હતું કે, સમિતિ દ્વારા જૈન સમાજનાં સૂચનો અને વાંધાઓ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે. આ દરમિયાન વાંધા-સૂચનો નોંધાવવાની અંતિમ તારીખ 30 જૂન સુધી લંબાવવાની માંગને પણ સ્વીકારવામાં આવી હતી. ટૂંક સમયમાં કમિટીની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. સમાજના આગેવાનોનું માનવું છે કે, સરકાર સાથે સીધી ચર્ચા થવાથી જૈન ટ્રસ્ટો અને મંદિરોના હિતોને યોગ્ય ન્યાય મળી શકશે. રાજ્ય સરકાર કાયદો લાવી રહી છે રાજ્ય સરકાર હવે મહારાષ્ટ્ર દેવસ્થાન ઇનામ જમીન નિર્મૂલન અધિનિયમ 2026 કાયદો લાવી રહી છે, જેમાં મંદીરો અને ધાર્મિક સ્થાનોની દાનમાં અપાયેલી જમીન અને માલિકી હક સહિતના મામલે છે, જેના કારણે અનેક હિંદુ મંદિરો અને લઘુમતી જૈન સમાજના દેરાસરને આ કાયદામાં આવરી લેવાના છે, પરંતુ અન્ય લધુમતી મુસ્લિમ અને ક્રિશ્ચિયન ધાર્મિક સ્થાનો આ કાયદામાં લાગુ પડતા નથી. આથી હિંદુ ગણાતી સરકાર દ્વારા આ સુધારિત કાયદાથી અનેક હિંદુ-જૈન સંગઠનોએ જોરદાર વિરોધ નોધાવ્યો છે. આ પ્રસ્તાવિત બિલ સામે વાંધા અને સુચનો 5 જુન સુધીમાં આપવાના સરકારી ફરમાનથી વિવાદ વધુ જાગ્યો છે.
Read Original Article →