યુઝર ચાર્જ મુદ્દે સરકારનો સકારાત્મક અભિગમ:સરકારના આશ્વાસન બાદ APMC વેપારીઓએ આંદોલન પાછું ખેંચ્યું
પુણે કૃષિ ઉપજ મંડી સમિતિ દ્વારા લાગુ કરાયેલા યુઝર ચાર્જના વિરોધમાં રાજ્યભરના વેપારીઓએ જાહેર કરેલું ઇનબાઉન્ડ બંધ આંદોલન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. માર્કેટ મંત્રી જયકુમાર રાવલ સાથે થયેલી સકારાત્મક ચર્ચા બાદ મહારાષ્ટ્ર રાજ્ય વેપારી કાર્યવાહી સમિતિએ આ નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું છે. વેપારીઓનું કહેવું હતું કે, મંડી સમિતિ દ્વારા વસૂલવામાં આવતા યુઝર ચાર્જથી વેપાર ક્ષેત્ર પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. આ મુદ્દે ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર (ફામ), મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર(એમએસીસીઆઈએ), સીએએમઆઈટી, ધ પૂના મર્ચન્ટ્સ ચેમ્બર અને ગ્રોમા સહિત રાજ્યના મુખ્ય વેપાર સંગઠનો એક મંચ પર આવ્યા હતા. બીજી તરફ વાશી સ્થિત એપીએમસી માર્કેટમાં વહીવટદાર સમિતી દ્વારા આચરાયેલા ગેરકાયદે કામો અને માર્કેટ મેઈન્ટન્સ વેરાના મહા ભષ્ટ્રાચાર સામે કેઈટના રાષ્ટ્રિય વરિષ્ટ્ર ઉપાધ્યક્ષ કિર્તી રાણાની ઝુંબેશને સફળતા મળી હતી. તેમણે વેપારીઓના પ્રશ્ને વિવિધ ફેડરેશનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીને પણ ટેકો આપ્યો છે. પૂના મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ રાજેન્દ્ર બાઠિયાએ જણાવ્યું હતું કે 9 જૂને ફરી બેઠક યોજાશે, જેમાં યુઝર ચાર્જ અને વેપારીઓના અન્ય પડતર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વસૂલાત મામલે મંત્રીની હૈયાધારણા: વેપારીઓએ 5 જૂનથી ખેડૂતો દ્વારા સીધા લાવવામાં આવતા માલ સિવાય તમામ પ્રકારના માલની આવક બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે 4 જૂને મંત્રાલય ખાતે યોજાયેલી બેઠકમાં વેપાર પ્રતિનિધિઓએ પોતાની સમસ્યાઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી.
Read Original Article →