વેરા વસૂલાત વિવાદ:વેપારીઓના અવાજને સરકારનું સમર્થનઃ બજાર સમિતિ બરખાસ્ત

Gujarat6/3/2026, 1:43:57 AM
નવી મુંબઈના વાશી સ્થિત એશિયાની સૌથી મોટી ગણાતી એ.પી.એમ.સી. માર્કેટમાં વેરા વસૂલાત મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. બજાર સમિતિના 25 સભ્યોના બોર્ડ સામે વેપારીઓએ અનેક ગંભીર આક્ષેપો કરતા નિષ્પક્ષ ન્યાયિક તપાસની માગણી ઉઠાવી હતી. આખરે રાજ્ય સરકારે વેપારીઓના અવાજને સમર્થન આપતાં મંગળવારે હાલની બજાર સમિતિને બરખાસ્ત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.આ દરમિયાન રાજ્યના માર્કેટિંગ મંત્રી જયકુમાર રાવલે મંગળવારે એ.પી.એમ.સી. માર્કેટના ચેરમેન તરીકે સત્તાવાર પદભાર સંભાળ્યો હતો. નવી મુંબઈ સ્થિત આ માર્કેટને રાષ્ટ્રીય માર્કેટનો દરજ્જો મળ્યો હોવાથી સરકારના આ નિર્ણયને ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાલનું સંચાલક મંડળ બરખાસ્ત થયા બાદ હવે સીધા મંત્રી સ્તરે નિયંત્રણ આવતા વેપારીઓમાં આશાવાદનું વાતાવરણ સર્જાયું છે. કૈઈટના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમ જ ચેમ્બર અને મૂડીબજાર સંસ્થાના ચેરમેન કીર્તિભાઈ રાણાએ સરકારના નિર્ણયને આવકારતાં જણાવ્યું હતું કે, વેપારીઓના હિતમાં લેવાયેલો આ નિર્ણય બજાર વ્યવસ્થામાં પારદર્શિતા લાવવામાં મદદરૂપ બનશે. તેમણે જણાવ્યું કે દેશ-વિદેશની કૃષિ મંડીઓના 50 વર્ષના લાંબા અનુભવના આધારે વાશી એ.પી.એમ.સી.માં સુધારાની જરૂર હતી. તેમણે મંત્રી રાવલની નિમણૂકને આવકારી હતી. આ ઉપરાંત વેપારી આગેવાનો ભીમજીભાઈ ભાનુશાલી, મહેન્દ્રભાઈ ગજરા, અમૃતલાલજી જૈન, જયંતભાઈ ગંગર, મનીષભાઈ દાવડા અને નિલેશભાઈ વિરાએ પણ મંત્રી જયકુમાર રાવલનું સ્વાગત કરીને નવા વહીવટથી વેપારીઓને ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Read Original Article →