13 મહિલાઓ પર દીપડાનો એક સાથે હુમલો:જંગલમાં દીપડાએ કરેલા જીવલેણ હુમલામાં ચાર મહિલાના મૃત્યુ
ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી જંગલમાં એક દીપડાના હુમલાથી ભય ફેલાયો છે. બીડી બનાવવા માટે વપરાતા તેંડુના પાંદડા (ટિમરુ) તોડવા ગયેલી 13 મહિલાઓ પર એક દીપડાએ એક સાથે જીવલેણ હુમલો કર્યો હતો. એમાં ચાર મહિલાના મૃત્યુ થયા હતા. શુક્રવારે સવારના આ ઘટના બની હતી. મહિલાઓ તેંડુના પાંદડા તોડી રહી હતી એ સમયે અચાનક દીપડો સામે આવ્યો હતો. મહિલાઓએ એનાથી બચવા ઘણા પ્રયત્ન કર્યા પણ દીપડાના હુમલામાં ચાર મહિલાઓ મૃત્યુ પામી. મળેલી માહિતી અનુસાર 13 મહિલાઓ સિંદેવાહી તાલુકાના ગુંજેવાહી જંગલમાં તેંડુના પાંદડા તોડવા સાથે ગઈ હતી. પાંદડા તોડવાનું કામ ચાલુ હતું ત્યારે આ મહિલાઓ પર દીપડાએ અચાનક હુમલો કર્યો. અચાનક થયેલા આ હુમલાથી મહિલાઓ ગભરાઈ ગઈ અને આમતેમ નાસવા માંડી. પણ દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કર્યો અને એમાં ચાર મહિલાઓના મૃત્યુ થયા હતા. દીપડાના હુમલામાં સૌથી વધુ મૃત્યુ થવાની મહારાષ્ટ્રમાં આ પ્રથમ ઘટના હોવાનું જણાવવામાં આવે છે. દીપડાના હુમલામાં જીવ ગુમાવનારી મહિલાઓમાં કવડુબાઈ દાદાજી મોહુર્લે (45), અનુબાઈ દાદાજી મોહુર્લે (46), સંગીતા સંતોષ ચૌધરી (36) અને સુનીતા કૌશિક મોહુર્લે (33)નો સમાવેશ છે.દીપડાએ હુમલો કર્યો એ પછી 13 મહિલાઓમાંથી એક મહિલા ડરથી ચીસો પાડતા ગામમાં પહોંચી હતી. એણે બુમાબુમ કરીને ગામવાસીઓને ભેગા કર્યા અને દીપડાના હુમલાની માહિતી આપી હતી. એ પછી ગામવાસીઓ તરત ઘટનાસ્થળે દોડ્યા હતા. ત્યાં ચાર મહિલાઓના મૃતદેહ જોવા મળ્યા હતા. બીજી મહિલાઓ સુખરૂપ હોવાની માહિતી છે. વન વિભાગ આ ઘટનાની વધુ તપાસ કરી રહ્યું છે.
Read Original Article →