CBI દ્વારા ધરપકડ કરવામાં આવી:બેંક લોન ઠગાઈ કેસમાં આરકોમના ભૂતપૂર્વ MD ઝુનઝુનવાલા જેલમાં

Gujarat6/3/2026, 1:38:56 AM
કરોડો રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવેલા રિલાયન્સ કમ્યુનિકેશન્સના માજી ગ્રુપ મેનેજિંગ ડાયરેક્ટર અમિતાભ ઝુનઝુનવાલાને મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી અપાયો છે.ઝુનઝુનવાલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરવામાં આવતા મની લોન્ડરિંગ કેસમાં નવી દિલ્હીમાં ન્યાયિક કસ્ટડીમાં હતો. સોમવારે મુંબઈની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને તેની ધરપકડ કરવાની મંજૂરી આપી હતી. મોડી રાત અને આરોપીને દિલ્હીની તિહાર જેલમાંથી લાવવાનો હોવાથી કોર્ટે તેને ન્યાયિક કસ્ટડી આપી હતી. સીબીઆઈ કસ્ટડી માટે પછીથી અરજી પર સુનાવણી કરવાનું નક્કી કરાયું હતું, એમ મંગળવારે અધિકારીએ જણાવ્યું હતું.અનિલ અંબાણી પ્રણિત રિલાયન્સ કમ્યુનિકેશન્સ ગ્રુપના ગ્રુપ મેનેજિંગ ડાયરેક્ટર ઝુનઝુનવાલા કોર્પોરેટ ફાઈનાન્સ, બેંકિંગ અને ભંડોળની ઉપયોગિતી જેવી મહત્ત્વપૂર્ણ કામગીરીઓનું ધ્યાન રાખતો હતો. સીબીઆઈએ દાવો કર્યો હતો કે આરોપીના નિર્દેશને આધારે બેંકો પાસેથી પ્રાપ્ત લોન ભંડોળ આરકોમ ગ્રુપના અન્ય અધિકારીઓ દ્વારા વ્યવસ્થાપન/ ઉપયોગ કરવામાં આવ્યું હતું. લોનના ભંડોળના દુરુપયોગને લીધે બેંકોને ખોટી રીતે નુકસાન થયું હતું, એમ સીબીઆઈએ જણાવ્યું હતું. ગયા સપ્તાહ સીબીઆઈએ 16 આરોપીઓ વિરુદ્ધ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વિશેષ કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં ઝુનઝુનવાલાનું નામ નહોતું, પરંતુ તેની વિરુદ્ધ તપાસ ચાલુ હતી. ચાર્જશીટમાં દાખલ આરોપીઓમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ, કંપનીના પાંચ વરિષ્ઠ કારોબારીઓ અને બેંકના 10 અધિકારીઓનો સમાવેશ થતો હતો. તેમની વિરુદ્ધ ફોજદારી કાવતરું, છેતરપિંડી અને ફોજદારી ઉચાપત જેવી ભારતીય દંડ સંહિતાની કલમો અને ભ્રષ્ટાચાર પ્રતિબંધક ધારા હેઠળ ફોજદારી ગેરવર્તનનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચાર્જશીટમાં એસબીઆઈ દ્વારા મંજૂર રૂ. 1200 કરોડની મુદતી લોન, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા મંજૂર રૂ. 500 કરોડની લેટર ઓફ ક્રેડિટ સુવિધાઓ અને સિંડિકેટ બેંક દ્વારા મંજૂર રૂ. 350 કરોડની લેટર ઓફ ક્રેડિટ સુવિધાઓ દુરુપયોગ કરવાનો આરોપ મુકાયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Read Original Article →