પુણે હિંજેવાડીમાં કંપનીની શાખા બંધ કરી દેવાઈ:આઈટી કંપનીને બંધ કરાતાં કર્મચારીઓ નોકરીવિહોણા
પુણેના પિંપચી ચિંચવડમાં આઈટી કંપનીની વિભાગીય શાખા કોઈ પણ સૂચના વિના અચાનક બંધ કરાતાં 500થી વધુ કર્મચારીઓ નોકરીવિહોણા થઈ ગયા હતા. આ અંગે પોલીસે નોઈડા સ્થિત આ કંપનીના સીઈઓની ધરપકડ કરી છે. કંપની થિન્કટેક ઈન્ડિયા ઓપીસી પ્રા. લિ.એ હિંજેવાડી વિસ્તારમાં શાખા કાર્યાલય શરૂ કર્યું હતું. 22 એપ્રિલે કર્મચારીઓને સૂચના આપ્યા વિના આ કાર્યાલય અચાનક બંધ કરી દેવાયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. આ અંગે ફરિયાદને આધારે આઈટી કંપનીના સીઈઓ હર્ષલ ઠાકરેની હિંજેવાડી પોલીસે મંગળવારે રાત્રે નાશિકમાંથી ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316 (2) (ફોજદારી વિશ્વાસઘાત), 318 (4) (છેતરપિંડી) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આઈટી કંપનીના મેનેજમેન્ટ પર કર્મચારીઓનો પગાર રોકી રાખવો, વટી શક્યા નહીં તેવા ચેક આપવા અને કર્મચારીઓ પાસેથી લેપટોપ સલામતી માટે ભંડોળ ભેગું કરવાનો આરોપ છે, એમ પોલીસે જણાવ્યું હતું. અમે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કર્યો છે. ઠાકરેને નાશિકથી પકડી પાડવામાં આવ્યો છે. અમે કંપની બંધ કરવાનાં કારણોની તપાસ કરી રહ્યા છીએ, એમ સિનિયર પીઆઈ બાલાજી પાંઢરેએ જણાવ્યું હતું. અસરગ્રસ્ત કર્મચારીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે અને આર્થિક છેતરપિંડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →