બેદરકાર ડ્રાઈવરો પર કાર્યવાહી:બેસ્ટ ઉપક્રમની ઈલેકટ્રીક બસ ચલાવનારા ડ્રાઈવરોને 4 અઠવાડિયાની તાલીમ અપાશે

Gujarat6/7/2026, 12:05:08 AM
બેસ્ટના કાફલાની ભાડે લીધેલી ઈલેકટ્રીક બસના વધતા અકસ્માત ધ્યાનમાં લેતા ઉપક્રમે પ્રવાસીઓની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ઈલેકટ્રીક બસના ડ્રાઈવરો માટે ચાર અઠવાડિયાનું પ્રશિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ પહેલાં ડ્રાઈવરોને ફક્ત એક અઠવાડિયાનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. ખોટ ઓછી કરીને આર્થિક બચત કરવા બેસ્ટ ઉપક્રમે છેલ્લા થોડા વર્ષથી કરકસરનો માર્ગ સ્વીકાર્યો છે. બેસ્ટે ખર્ચ ઓછો કરવા ભાડે લીધેલી બસનો કાફલામાં સમાવેશ કર્યો. જો કે હવે આ ભાડે લીધેલી બસનો પ્રવાસ થોડો અસુરક્ષિત થયો છે. બેસ્ટના કાફલામાં અત્યારે 2 હજાર 792 બસ છે જેમાંથી ફક્ત 249 બસ પોતાની માલિકીની છે અને બાકીની 2 હજાર 554 બસ ભાડે લીધેલી છે. ભાડે લીધેલી બસમાંથી 1 હજાર 225 સીએનજી અને 1 હજાર 319 બસ ઈલેકટ્રીક બસ છે. તાજેતરમાં ઈલેકટ્રીક બસને આગ લાગવાની અને અકસ્માત થવાની થોડી ઘટનાઓ બની હોવાથી બેસ્ટ પ્રશાસને સુરક્ષાના ઉપાય વધુ સખત કર્યા છે. વિવિધ તપાસ દરમિયાન લગભગ 10 થી 11 બસમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. તેથી એ તમામ બસ તરત સેવામાંથી દૂર કરવામાં આવી હતી. નવા પ્રશિક્ષણમાં ટેકનિકલ બાબતોની માહિતી, સુરક્ષિત વાહનચાલક પદ્ધતિ, આપત્કાલીન પરિસ્થિતિ સંભાળી લેવી, શિસ્તબદ્ધ સંચાલન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. પ્રશિક્ષણમાં ઢોળાવ અને સાંકડા રસ્તાઓ પર બસ કેવી ચલાવવી, તેમ જ હેન્ડબ્રેકનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે. બેદરકાર ડ્રાઈવરો પર કાર્યવાહી કુર્લા, પ્રતિક્ષાનગર અને સાંતાક્રુઝ ડેપોમાં મે મહિનામાં બસને આગ લાગવાની ચાર જુદી જુદી ઘટના બની હતી. ઉપરાંત કેટલાક ડેપોમાં દેશભાળ વ્યવસ્થામાં ત્રુટી, ગેરેજની ઘટના અને ડ્રાઈવરોના વર્તન બાબતે પણ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યા છે. બેસ્ટ સમિતીના સભ્યોએ બસની દેખભાળ પર વધુ અસરકારક દેખરેખ રાખવા તેમ જ બેદરકારી કરતા ડ્રાઈવરો પર શિસ્તભંગની કાર્યવાહી કરવાની માગણી કરી છે. નવા પ્રશિક્ષણના લીધે બસ સેવા વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભાંડુપ અને કુર્લા ખાતે બસ રિવર્સ જવાની ઘટના બાદ આ પ્રશિક્ષણ વધુ કઠોર કરવામાં આવ્યું છે. આ બંને અકસ્માતમાં ઈલેકટ્રીક બસનો સમાવેશ હતો.
Read Original Article →