સગાઈમાં જતાં પરિવાર પર આફત આવી પડી:અમલનેર હાઈવે પર અકસ્માતમાં ગુજરાતના ચાર સહિત છનાં મોત
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં મંગળવારે સવારે થયેલા ગમખ્વાર ટ્રિપલ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અમલનેર- ધુળે હાઇવે પર માંગરુલ ગામ નજીક ગુજરાત પાસિંગની સુઝુકી સ્વિફ્ટ કાર, અમલનેર ડેપોની પેસેન્જર એસટી બસ અને એક મોટરસાઇકલ વચ્ચે સામસામે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર અને ટુ- વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં ગુજરાતના વ્યારાના ચાર સહિત કુલ છ જણના મૃત્યુ થયાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ સવારે અંદાજે 7 વાગ્યે ધુળેથી અમલનેર તરફ આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી બસ અને બાઇક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મૃતકોમાં ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા શહેરના નંદલાલ ગોપાલ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, સુરેશ વિક્રમ મહાજન અને અનિતા સુરેશ મહાજનનો સમાવેશ થાય છે. પરિવાર સગાઈ સમારોહમાં હાજરી આપવા અમલનેર આવી રહ્યો હતો ત્યારે આ કરુણ અકસ્માત સર્જાયો હતો. ઉપરાંત મોટરસાઇકલ સવાર લેશ સુખદેવ તાવડે (રહે. માલપુર, તા. શિંદખેડા) અને ફાલ્ગુની એકનાથ ભોઇ (રહે. ધરણગાવ)નાં પણ અકસ્માતમાં મોત થયાં હતાં. કારનો ડ્રાઈવર આદિત્ય ચંદ્રકાંત મહાજન (રહે. વ્યારા, ગુજરાત) ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને સારવાર માટે ધુળેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Read Original Article →