હિંસા કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 19ની ધરપકડ:બાંદરા સ્થિત ગરીબ નગરમાં 500 જેટલાં ઝૂંપડાં પર બુલડોઝર સાથે તોડકામ કાર્યવાહી પૂર્ણ થઈ

Gujarat5/23/2026, 12:03:25 AM
હિંસા કેસમાં માસ્ટરમાઇન્ડ સહિત 19ની ધરપકડ:બાંદરા સ્થિત ગરીબ નગરમાં 500 જેટલાં ઝૂંપડાં પર બુલડોઝર સાથે તોડકામ કાર્યવાહી પૂર્ણ થઈ
બાંદરા પૂર્વ સ્થિત ગરીબ નગર વિસ્તારમાં પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરાયેલી વિશાળ અતિક્રમણ વિરોધી કાર્યવાહી હવે પૂર્ણતાની નજીક પહોંચી છે. રેલવેની જમીન પર ઊભાં કરવામાં આવેલાં આશરે 500 ગેરકાયદેસર ઝૂંપડાંઓને છેલ્લા ચાર દિવસથી તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી હતી, જે 22 મેના રોજ લગભગ સો ટકા પૂર્ણ કરવામાં આવી હોવાનું રેલવે અધિકારીઓએ જણાવ્યું છે. હવે આગામી દિવસોમાં કાટમાળ દૂર કરવાની અને સમગ્ર વિસ્તારમાં ફેન્સિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી દરમિયાન 21 મેના રોજ હિંસક બનાવ સર્જાયો હતો. તોડકામ કાર્યવાહીનો વિરોધ કરતાં કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. નિર્મલનગર પોલીસે અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. સગીરને ચિલ્ડ્રન રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર હિંસાના માસ્ટરમાઇન્ડ ગણાતા સદ્દામ હુસેન સહિતના આરોપીઓને 26 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે. આ કેસમાં પોલીસે લગભગ 150 અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધ્યો છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પથ્થરમારો અને હિંસામાં સામેલ લોકોની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે મુંબઈ હાઈ કોર્ટના આદેશના પાલનરૂપે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દરમિયાન, કાર્યવાહી અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. હવે વિકાસ માટે મોકળું મેદાન રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, હાઈ કોર્ટના આદેશ અનુસાર જમીન પર રહેલી લગભગ 100 ઝૂંપડાંઓને હાલ જેમની તેમ રાખવામાં આવી છે, પરંતુ તેના ઉપરના ચોથા માળ સુધીનાં ગેરકાયદેસર બાંધકામોને સાવચેતીપૂર્વક દૂર કરવામાં આવ્યાં છે. રેલવેનું કહેવું છે કે, આ વિસ્તારના વિકાસ બાદ બાંદરા ટર્મિનસ પરથી બહારગામ જતી ટ્રેનોની સંખ્યા વધારવામાં મદદ મળશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળી શકશે.
Read Original Article →