ઊંડી તપાસ કરવાની માગણી તેજ:જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ

Gujarat6/9/2026, 12:12:16 AM
ઊંડી તપાસ કરવાની માગણી તેજ:જૈન મુનિઓ સાથેના અકસ્માતથી સમાજમાં આક્રોશ
મુંબઈ- અમદાવાદ હાઈવે પર જૈન મુનિઓ સાથે થયેલી ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનાએ સમગ્ર જૈન સમાજમાં દુઃખ અને રોષની લાગણી વ્યાપી દીધી છે. ગુજરાતથી વિહાર કરીને મુંબઈ તરફ આવી રહેલા જૈન સાધુઓ અને તેમની સાથેના સેવકોને શનિવારે વહેલી સવારે નાકોડાધામ નજીક પતરાપુલ પાસે અજાણ્યા ટ્રકે અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં વરિષ્ઠ જૈન મુનિ ગંભીર રીતે ઘાયલ થતાં સમાજમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાના પગલે વિવિધ જૈન આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત લોકોએ પોતાની વ્યથા વ્યક્ત કરી તંત્ર સામે કડક શબ્દોમાં આક્રોશ ઠાલવ્યો હતો. મુંબઈ ભાજપ જૈન સેલના ધીરજ રાજમલ બાલડિયાએ જણાવ્યું હતું કે, આ ઘટના માત્ર માર્ગ અકસ્માત નથી પરંતુ માનવ જીવન પ્રત્યે ઘટતી સંવેદનશીલતાનું દુઃખદ પ્રતિબિંબ છે. જૈન સાધુ- સાધ્વીઓ સમગ્ર જીવન અહિંસા, શાંતિ અને આત્મસંયમના સંદેશ સાથે ખુલ્લા પગે વિહાર કરતાં હોય છે. તેઓ ક્યારેય વિશેષ સુરક્ષાની માગણી કરતાં નથી, છતાં તેમની સલામતી સમાજ અને સરકાર બંનેની નૈતિક જવાબદારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ ફક્ત જૈન સમાજનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર માનવતાનો પ્રશ્ન છે. તો સમાજ રસ્તા પર ઊતરશે: મુંબઈ જૈન પત્રકાર સંઘના પ્રમુખ ભુપેન્દ્ર શાહે આ ઘટનાની ઊંડી તપાસની માગણી કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જૈન સાધુઓ સાથે થતા અકસ્માતોની વધતી ઘટનાઓથી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જો જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બનશે તેવી ચેતવણી પણ તેમણે આપી હતી. જૈન આર્ચાયો સાથે વિચારવિમર્શ: કાંદિવલીના જૈન આગેવાન અતુલ વૃજલાલ શાહે આ ઘટનાને દેશની સંસ્કૃતિ અને સામાજિક એકતાને ઘા સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, જૈન આચાર્યો અને પ્રવર સમિતિ સાથે ચર્ચા કરીને આગામી દિવસોમાં સમાજની રણનીતિ નક્કી કરવામાં આવશે. મુંબઈ હાઈ કોર્ટના સિનિયર એડવોકેટ પ્રફુલ્લ શાહે આ સમગ્ર ઘટનાની તપાસ પૂર્વનિયોજિત કાવતરાના એન્ગલથી કરવાની માગણી ઉઠાવી હતી. તેમના મતે સતત બની રહેલી આવી ઘટનાઓને માત્ર અકસ્માત માનીને અવગણવી યોગ્ય નથી. આ રીતે અકસ્માત સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે, નેમીસુરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય સિંહસેન સુરીશ્વરજી (82) મ.સા., સુર્વત સેન (55) મહારાજ સાહેબ અને ચાર સેવકો બુધાભાઈ, નાગજીભાઈ, રોહિતભાઈ અને દીપકભાઈ સાથે નાકોડાધામથી વિહાર શરૂ કર્યો. દરમિયાન ત્રણેક કિલોમીટર વિરાર તરફ આગળ આવ્યા પછી એક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિજય સિંહસેન સુરીશ્વરજીને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ગુજરાતથી વિહાર કરીને ચોમાસું મુંબઈમાં સાંતાકુઝ સંઘમાં વિતાવવા આવી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
Read Original Article →