ઠગાઈ:PNG અકાઉન્ટ અપડેટ કરવાનું કહી સાઈબર ઠગોએ 9 લાખ પડાવી લીધા
મહાનગર ગેસ બિલ પેમેંટ અપડેટ કરવાનું કહીને લિંક પર ક્લિક કરાવી સાઈબર ઠગોએ કલ્યાણના 57 વર્ષીય ગેસ ગ્રાહકના ખાતામાંથી રૂ. 9.08 લાખ ઉપાડી લીધા હતા. પોલીસ અનુસાર આ ઘટના 19 મે અને 1 જૂન વચ્ચે બની હતી. ફરિયાદી કલ્યાણનો રહેવાસી છે, જેણે ગેસ બિલ ઓનલાઈન ભરી દીધું હતું, પરંતુ તે છતાં બિલ ચૂકવાયું નથી એવો સંદેશ આવ્યો હતો. આ મેસેજમાં એપીકે લિંક હતી, જેની પર ક્લિક કરતાં તેના ફોન પર ગેસ બિલ નામે એપ્લિકેશન ઈન્સ્ટોલ થઈ ગયું હતું. એપીકે (એન્ડ્રોઈડ પેકેજ કિટ) એપ્સ ઈન્સ્ટોલ કરવા માટે ઉપયોગ કરાતું ફાઈલ ફોર્મેટ એન્ડ્રોઈડ છે. એપ પરથી ફરિયાદીને તેના ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 12નુ નજીવી ચુકવણી કરવા પ્રેરિત કરાયો હતો. ચુકવણી નિષ્ફળ જતાં મેસેજ મોકલનારે કહ્યું કે તેના મોબાઈલ ફોનમાં અમુક સેટિંગ્સ બદલી કરવી પડશે. સેટિંગ્સ બદલી કરતાં જ ઠગને પીડિતના ડિવાઈસનું રિમોટ એક્સેસ મળ્યું હતું. શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાનમાં આવતાં જ ઠગે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો, પરંતુ તે પછી ટૂંક સમયમાં જ ફરિયાદીના બેંક ખાતામાંથી ત્રણ અલગ અલગ લેણદેણમાં રૂ. 9.08 લાખ ઉપાડી લેવાયા હતા. ખડકપાડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આઈટી ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે. દરમિયાન મહાનગર ગેસને નામે સાગમટે અનેક ગેસ ગ્રાહકોને તેમનું બિલ ચૂકવાયું નથી એવા મેસેજ છેલ્લા થોડા દિવસથી આવી રહ્યા છે. આ વાત મહાનગર ગેસના ઉચ્ચ અધિકારીઓને ધ્યાનમાં લાવતાં તુરંત આ મેસેજ ફેક હોવાનું અને સાવધાન રહેવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી.
Read Original Article →