આગ લાગવાની ઘટના બની:બેસ્ટ ઉપક્રમની ભાડે લેવામાં આવેલી બસોમાં આગની દુર્ઘટનાઓથી ચિંતા

Gujarat6/3/2026, 1:37:47 AM
બેસ્ટ ઉપક્રમના કાફલાની ભાડે લીધેલી ચાર બસને આગ લાગવાની ઘટના બની. એમાં કોઈ જીવહાની થઈ નહોતી પણ ચાર બસને આગ લાગવાથી સુરક્ષા બાબતે ગંભીર ચિંતા નિર્માણ થઈ છે. તેમ જ ભાડે લીધેલી બસની દેખભાળ અને રિપેરીંગનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે. બેસ્ટ બસ મુંબઈગરાની બીજી લાઈફલાઈન તરીકે ઓળખાય છે. બેસ્ટના કાફલામાં લગભગ 2 હજાર 700 બસ છે. એમાંથી ફક્ત 240 બસ પોતાની માલિકીની અને બાકીની 2 હજાર 450 બસ ભાડે લીધેલી છે. મે મહિનામાં બેસ્ટના ત્રણ ડેપોમાં ત્રણ જુદી જુદી ઘટનામાં બેસ્ટની ભાડે લીધેલી ચાર બસને આગ લાગી. બે પ્રકરણમાં બસ પહેલાંથી ખોટકાયેલી હોવાથી અથવા ટેકનિકલ ખરાબીના લીધે સેવામાંથી બાકાત કરવામાં આવી હતી. અન્ય બે ઘટનામાં શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યાનું તપાસમાં જણાયું. આ ઘટનાથી કોન્ટ્રેક્ટર મારફત ચલાવવામાં આવતી બસની દેખભાળના ધોરણ અને સુરક્ષા તપાસ પર હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભાડે લીધેલી અનેક બસમાં સ્ટિયરીંગ લોક થવું, બ્રેક ફેઈલ થવી અને બ્રેક લાઈનરની સમસ્યા જેવી ગંભીર ખામી જોવા મળી છે. ચાર ઘટના ક્યાં બની? 3 મેના કુર્લા ડેપોમાં ઈલેકટ્રીક એસી ડબલડેકર બસની નીચેથી ધુમાડા નીકળ્યા અને બસમાં આગ લાગી હતી. આ બસ 1 મેના ચાર્જ કરવામાં આવી પણ શરૂ થઈ નહોતી. 2 મેના ફરીથી ચાર્જ કરી છતાં ચાલુ ન થઈ. 3 મેના થર્મલ હીટિંગના કારણે બેટરીમાંથી ધુમાડો નીકળીને આગ લાગી. 25 મેના પ્રતીક્ષાનગર ડેપો આખો દિવસ ફેરી કરીને પાર્કિંગ માટે આવેલી બે નોન-એસી સીએનજી પર ચાલતી બસમાં એક પછી એક આગ લાગી હતી. 27 મેના સાંતાક્રુઝ ડેપોમાં પરોઢિયે એક બસમાં આગ લાગી હતી. ક્લચ રિપેરીંગ પછી ડીઝલ ભરવા લઈ જતા સમયે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી.
Read Original Article →