પૂનમ એસ્ટેટમાં વિવાદ:સોસાયટીમાં બકરી રાખવાના મુદ્દે બખેડો, ભાજપ નેતાઓ મેદાનમાં

Gujarat5/27/2026, 12:10:23 AM
બકરી ઈદ નજીક આવતાં એક તરફ મીરા રોડ વિસ્તારમાં રાજકીય તેમ જ સામાજિક વાતાવરણ ગરમાયું છે. બીજી તરફ ભાજપના અનેક નેતાઓએ મુંબઈ મહાપાલિકા કમિશનરને પત્ર લખી રહેણાક સોસાયટી, હાઉસિંગ કોમ્પ્લેક્સ અને ચાલીઓમાં બકરાની બલિ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. પત્ર લખનારા નેતાઓમાં ભાજપના વિધાનસભ્યો પરાગ શાહ, મનીષા ચૌધરી, અતુલ ભાતખળકર, મિહિર કોટેચા ઉપરાંત ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને મનોજ કોટકનો સમાવેશ થાય છે. તેઓએ દલીલ કરી છે કે, સોસાયટીમાં બલિ આપવાથી અન્ય ધર્મના લોકોને અસુવિધા અને તણાવનો સામનો કરવો પડે છે. આ દરમિયાન મીરા રોડના પૂનમ ક્લસ્ટર વિસ્તારમાં બકરી ઈદ માટે બનાવવામાં આવેલા શેડને લઈને મોટો વિવાદ સર્જાયો છે. મુસ્લિમ સમુદાય દ્વારા બલિદાન માટેના બકરાઓ રાખવા શેડ બનાવવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનો અને સ્થાનિક નાગરિકોની ફરિયાદ બાદ મહાપાલિકા દ્વારા આ શેડ તોડી પાડવામાં આવ્યું છે. જોકે બાદમાં ફરી શેડ ઊભું કરવાની કોશિશ થતાં બંને પક્ષો વચ્ચે તણાવ વધી ગયો હતો. સોમવારે રાત્રે પરિસ્થિતિ વધુ બગડી હતી. બંને પક્ષોના લોકો સામસામે આવી જતાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. આ દરમિયાન એક હિન્દુ યુવક પર બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં કાશીમીરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં વિસ્તારામાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
Read Original Article →