આયોજન:સરકારી લાભો માટે વિવિધ દાખલા મફતમાં મેળવી આપવા માટે શિબિર
માગાઠાણે વિધાનસભા ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ, જરૂરતમંદ નાગરિકો અને વરિષ્ઠ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સુલભતાથી મળે તે માટે સ્થાનિક વિધાનસભ્ય પ્રકાશદાદા સુર્વે અને નગરસેવક રાજ સુર્વે દ્વારા વિવિધ દાખલાઓનું મફત વિતરણ કરવાની શિબિરનું આયોજન કરાયું હતું, જેને નાગરિકોએ ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો. એક દિવસમાં 1500થી વધુ રહેવાસી દાખલા, આવકના દાખલા અને વરિષ્ઠ નાગરિક કાર્ડ તુરંત ઉપલબ્ધ કરી અપાયા હતા. દહિસર પૂર્વના અશોકવનમાં સુર્વેના જનસંપર્ક કાર્યાલયમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને આ ઉપક્રમને લીધે અનેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સહજ ઉપલબ્ધ થતાં રાહત અનુભવી છે. નાગરિકોની રોજિંદી અડચણો ઓછી કરીને સરકારી સેવા વધુ સુલભ અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરી આપવાનો આ ઉપક્રમ પાછળ મુખ્ય ઉદ્દેશ હતો. ભવિષ્યમાં પણ આવા લોકાભિમુખ ઉપક્રમનું આયોજન કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. શિબિરમાં નિવાસી ઉપ તહેસીલદાર શ્રીનિવાસ જાંભળે, ઉપ મેયર સંજય ઘાડી, ઉપનેતા સંજના ઘાડી, પાલઘર જિલ્લા પ્રમુખ કુંદન સંખે, વિભાગ પ્રમુખ મનોહર દેસાઈ, મહિલા વિભાગ પ્રમુખ મીનાતાઈ પાનમંદ, માજી નગરસેવક ભાસ્કર ખુરસંગે અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં પણ આવી શિબિરો યોજાશે, એમ જણાવવામાં આવ્યું હતું.
Read Original Article →