ભાડાવધારો:બસમાલિક સંગઠને સ્કૂલબસના ભાડામાં 15%નો વધારો જાહેર કર્યો
ઈંધણમાં થઈ રહેલા દરવધારાની ઝાળ આખરે સ્કૂલો સુધી પહોંચી છે. સ્કૂલ પરિવહનના પ્રશ્ને ઉકેલ કાઢવામાં રાજ્ય સરકાર નિષ્ફળ જવાથી સ્કૂલબસ માલિકોના સંગઠને બુધવારે 15 ટકા ભાડાવધારો જાહેર કર્યો છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી એટલે કે જૂન મહિનાથી નવા દરથી સ્કૂલબસનું માસિક ભાડું લેવામાં આવશે. એનો વાલીઓને 500થી 1500 રૂપિયા સુધી આર્થિક ફટકો પડશે. ઈંધણમાં દરવધારાથી સ્કૂલબસ માલિકો માટે જૂના ભાડામાં સ્કૂલબસ ચલાવવી મુશ્કેલ થયું છે. એ સાથે જ વાલીઓને સ્કૂલબસના ભાડામાં વધારાનો ફટકો ન પડે એ માટે સ્કૂલબસ ઓનર્સ એસોસિએશને રાજ્ય સરકાર અને પરિવહન મંત્રાલયને સ્કૂલના હાઈબ્રીડ મોડેલ બાબતે પ્રસ્તાવ મોકલ્યો હતો. અઠવાડિયામાં બે દિવસ ઓનલાઈન ભણતર અને ત્રણ દિવસ સ્કૂલ ચાલુ રાખવાની સૂચના સ્કૂલબસ માલિકોએ કરી હતી. જો કે એ મુજબ ઉકેલ કાઢવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ. બસમાલિકોએ વારંવાર પત્રવ્યવહાર કર્યો. એના પર સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા આખરે સ્કૂલબસ ઓનર્સ એસોસિએશને 3 જૂનના સ્કૂલબસના માસિક ભાડામાં 15 ટકા દરવધારો જાહેર કર્યો હતો. મુંબઈ સહિત સંપૂર્ણ રાજ્યમાં લગભગ 40 હજાર સ્કૂલબસ શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સેવા આપી રહ્યા છે. મુંબઈ જેવા શહેરમાં હવે વાલીઓને નવા દરના લીધે 500થી 1500 રૂપિયાનો વધારાનો આર્થિક દંડ ભોગવવો પડશે. સ્કૂલબસ માટે અનુદાન, વેટમાં છૂટ તેમ જ સ્કૂલોનું હાઈબ્રીડ મોડેલ જેવા વિવિધ મુદ્દે સરકારે કોઈ ગંભીરતા દેખાડી નથી. બીજા ખર્ચાઓમાં પણ વધારો
સ્કૂલબસ માલિકોએ ભાડાવધારો જાહેર કરવા સાથે બીજા વધારાના ખર્ચ પર ધ્યાન ખેંચ્યું છે. મોંઘવારી, ડીઝલ દરવધારા સહિત દેખભાળ ખર્ચ, છૂટા ભાગ અને અન્ય સામગ્રીનો ખર્ચ, ટોલ અને લાયસંસ સંબંધિત ખર્ચ, વીમો અને કાયદાકીય શુલ્ક, કામદાર અને બસ કર્મચારીઓનો પગાર, અન્ય સંચાલન ખર્ચ, ઈ-ચલાન અને અમલબજાવણી સંબંધી દંડનો વધતો ભાર જેવા વિવિધ ખર્ચથી સ્કૂલ બસ પરિવહનને ઘણું મુશ્કેલ બનાવ્યું હોવાનું સંગઠને જણાવ્યું છે.
Read Original Article →