APMCમાં રાજકારણ:એપીએમસીની જમીન પર બિલ્ડરોની નજર? ટેક્સ મામલે મસાલા માર્કેટમાં વિવાદ ગરમાયો
નવી મુંબઈમાં કૃષિ બજાર વ્યવસ્થા અને મસાલા માર્કેટમાં વસૂલાતા ટેક્સ મુદ્દે હવે મોટો વિવાદ ઊભો થયો છે. વાશી સ્થિત એપીએમસી મસાલા માર્કેટના અધ્યક્ષ કીર્તિ રાણાએ દાવો કર્યો છે કે, મસાલા માર્કેટમાં વેચાતી મોટા ભાગની કૃષિ ઊપજને વર્ષો પહેલા કૃષિ બજાર સમિતિ (એપીએમસી)ના નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવી હતી, છતાં આજે પણ ખેડૂતોના નામે વેપારીઓ પાસેથી વિવિધ પ્રકારની બજાર ફી અને ટેક્સ વસૂલવામાં આવી રહ્યા છે, જે જનહિતમાં અન્યાયકારી છે. રાણાએ કૃષિ ક્ષેત્રમાં મુક્ત વેપારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતોના કાનૂની હિતના નામે આશરે 3500 કરોડ રૂપિયા માર્કેટ ફીના નામે દર વર્ષે વસૂલાય છે, જ્યારે કોઈ કૃષિ ઉત્પાદનને એપીએમસી નિયમન કાયદામાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે માલ પર બજાર સમિતિ દ્વારા ટેક્સ અથવા ફી વસૂલવાની જોગવાઈ રહેતી નથી. આમ છતાં મસાલા માર્કેટમાં ખેડૂતોના નામે વેપારીઓના તૈયાર માલની ઊપજ ઉપર વેચવા માટે ગ્રાહકોએ માર્કેટ ફી પેટે અસમાન દરે વેરો ચૂકવવો પડી રહ્યો છે. તેમના કહેવા મુજબ, આ પ્રક્રિયાને કારણે ગ્રાહકો અને એપીએમસી માર્કેટમાંથી ખરીદનાર નાના વેપારીઓ પર વર્ષભર લાખો રૂપિયાનું આર્થિક ભારણ પડે છે. તેમણે આ વસૂલાતને ગેરકાયદેસર ગણાવી સરકાર અને સંબંધિત વિભાગો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. 250 એકર જગ્યા પર બિલ્ડરોનો ડોળો આ સમગ્ર મામલે વધુ એક ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. રાણાએ દાવો કર્યો કે એપીએમસીની અંદાજે 250 એકર જમીન પર ભ્રષ્ટ બિલ્ડરોની નજર છે અને વેપારીઓને અહીંથી બહાર જવા મજબૂર બનાવી આ જમીન સસ્તામાં કબજે કરવાની કોશિશ થઈ રહી છે. તેમના કહેવા મુજબ, એપીએમસીના વાતાવરણ અને કથિત ત્રાસથી કંટાળી નવી મુંબઈની અનેક જાણીતી કંપનીઓએ બજાર છોડવાનું શરૂ કર્યું છે. ધંધા અન્ય વિસ્તારોમાં ખસેડ્યો ચર્ચા છે કે, અનેક મોટી કંપનીઓ અને નિકાસકારોએ હવે અન્ય વિસ્તારોમાં વ્યવસાય ખસેડી લીધા છે. કેટલાક બિલ્ડરો અને એજન્ટો વેપારીઓના સ્વાંગમાં માર્કેટ પરિસરમાં સક્રિય છે અને રાજકીય જોડાણો દ્વારા દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. હવે આ સમગ્ર મુદ્દે પારદર્શક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી ઊઠી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
Read Original Article →