વધુ એક સિદ્ધિ જુલાઈથી શરૂ થશે ટનલનું ખોદકામ:ઘણસોલી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં TBMનું કટરહેડ
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે ફરી એકવાર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. મુંબઈ નજીક સાવલી (ઘણસોલી) ખાતે બીજા ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) માટે વિશાળ કટરહેડ સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યું છે. આ કામગીરી બુલેટ ટ્રેનના 21 કિલોમીટર લાંબા ભૂગર્ભ ટનલ વિભાગના નિર્માણમાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ વિક્રોલી ખાતે પ્રથમ ટીબીએમ માટે કટરહેડ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ બીજું ટીબીએમ સાવલીથી તેની ટનલ ખોદવાનું શરૂ કરશે અને ધીમે ધીમે વિક્રોલી તરફ આગળ વધશે. બંને ટીબીએમ જુલાઈ 2026ના પ્રથમ અઠવાડિયામાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની સંભાવના છે. હાલમાં મશીનોનું અંતિમ એસેમ્બલી અને કમિશનિંગ ટ્રાયલ ચાલી રહ્યા છે. આ ટીબીએમનું સૌથી આકર્ષક પાસું તેનું વિશાળ કટરહેડ છે. 13.6 મીટર વ્યાસ અને અંદાજે 350 ટન વજન ધરાવતું આ કટરહેડ એક સાથે ઉપર અને નીચે બંને હાઇ-સ્પીડ ટ્રેક માટે ટનલ ખોદી શકે છે. તેમાં 84 કટર ડિસ્ક, 124 સ્ક્રેપર્સ અને 16 બકેટ લિપ્સ લગાવવામાં આવ્યા છે, જે પથ્થર અને માટીને ઝડપથી કાપીને બહાર કાઢવાનું કામ કરે છે. ટીબીએમ-1નું વજન 3,080 ટન: પ્રોજેક્ટ માટે તૈયાર કરાયેલા બંને ટીબીએમ વિશાળ કદના છે. ટીબીએમ-1નું વજન 3,080 ટન જ્યારે ટીબીએમ2નું વજન 3,184 ટન છે. લગભગ 95 મીટર લાંબી આ મશીનોમાં કટર વ્હીલ, મુખ્ય શીલ્ડ, જડબાના ક્રશર અને ચાર વિશિષ્ટ ગેન્ટ્રી જેવા આધુનિક ઘટકો સામેલ છે.
Read Original Article →