અમિત શાહે ખાસ નોંધ લીધી હતી:મહંમદ સલીમ ડોલા ડ્રગ્સ કેસમાં ED દ્વારા મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં વ્યાપક દરોડા
તુર્કિયેથી તાજેતરમાં ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવેલા દાઉદ ગેંગના ડ્રગ્સ તસ્કર મહંમદ સલીમ ડોલા વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. મુંબઈ ઉપરાંત ગુજરાતમાં સુરત, રાજકોટ અને અંકલેશ્વરમાં મંગળવારે 20 ઠેકાણે સાગમટે દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઈડી દ્વારા ગુનો દાખલ કરાયો છે. ડોલા ઉર્ફે સલીમ ઈસ્માઈલ ડોલા વૈશ્વિક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનો નિકટવર્તી સાગરીત છે અને તેની વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી ચલાવવાનો આરોપ છે. 59 વર્ષીય ડોલાને માર્ચ 2024માં ભારતની વિનંતી પર જારી ઈન્ટરપોલ રેડ કોર્નર નોટિસને આધારે થોડા સમય પૂર્વે તુર્કિયેમાંથી ઝડપી લેવાયો હતો. તેને એપ્રિલમાં તુર્કિયેથી ભારતમાં લાવવામાં આવ્યો અને દિલ્હી એરપોર્ટ પર આવતાં જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો.રસાયણના વેપારમાં સંકળાયેલા પ્રિકર્સર કેમિકલ્સના પુરવઠાકારો, મધ્યસ્થીઓ, અકાઉન્ટન્ટ, સિંડિકેટ નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન એમડી)ના ઉત્પાદન અને વિતરણમાં સંડોવાયેલા તસ્કરો, હવાલા ઓપરેટરો અને સંગઠિત ડ્રગ સિંડિકેટ થકી ઊપજેલી પ્રાપ્તિઓમાંથી ખરીદેલી બેનામી મિલકતો ધરાવતી વ્યક્તિઓ સાથે સંકળાયેલાં સંકુલો પર આ દરોડા પાડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગનો કેસ ડ્રગ્સ તસકરી સંબંધી ગુના માટે ડોલા અને અન્યો વિરુદ્ધ મુંબઈમાં દાખલ ઘણી બધી એફઆઈઆરમાંથી ઊભો થયો છે. એનસીબી અનુસાર ડોલાએ છેલ્લાં 20 વર્ષમાં મિડલ ઈસ્ટ, આફ્રિકા અને યુરોપમાં ડ્રગ્સનું નેટવર્ક નિર્માણ કર્યું અને ભારતમાં એનસીબી, મહારાષ્ટ્ર પોલીસ, ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ સહિતની ઘણી બધી તપાસ એજન્સીઓ દ્વારા વોન્ટેડ હતો. મેફેડ્રોન કિંગ તરીકે ઓળખાતો હતો: દરમિયાન તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે ડોલાએ એવું નેટવર્ક બનાવ્યું હતું કે તેને મેફેડ્રોન કિંગ તરીકે ઓળખવામાં આવતો હતો. ડોલા તુર્કિયેમાં હામઝા અને અબ્દુલ તરીકે પણ ઓળખાવવામાં આવતો હતો. તે તુર્કિયેમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા અમુક સ્થાવર મિલકતો ખરીદી કરવાના ચક્કરમાં હતો. અમિત શાહે ખાસ નોંધ લીધી હતી ડોલાને ભારતમાં લાવ્યા પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 28 એપ્રિલે પોતાના એક્સ હેન્ડલ પર ભારતીય એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલા ‘ઓપરેશન ગ્લોબલ હંટ’ના ભાગરૂપે દુનિયાભરમાંથી બધા ડ્રગ્સના ભાગેડુ તસ્કરો અને સંગઠિત ગુનાખોર ટોળકીના ગુંડાઓને લાવીને તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાનો મોદી સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે, એમ પોસ્ટ કર્યું હતું. ગૃહ બાબતોના મંત્રાલયે તે પછી જણાવ્યું હતું કે ડોલાના બે દાયકાના ડ્રગ્સની તસ્કરીના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દાખલ મામલાઓમાં હેરોઈન, ચરસ, મેફેડ્રોન, મેન્ડ્રેક્સ અને મેથાએમ્ફિટામાઈન સહિત ઉચ્ચ મૂલ્યની જપ્તિઓના કેસમાં તેની સીધી સંડોવણીનો સમાવેશ થાય છે.
Read Original Article →